સૌ. લાડકી બ્હેન (લીલાવતી) વિરહ – કાવ્યમાંથી અંશ
sau. ladki bhen (lilavati) virah - kavyamathi ansh
છોટાલાલ સેવકરામ ભટ્ટ
Chhotalal Sevakram Bhatt
છોટાલાલ સેવકરામ ભટ્ટ
Chhotalal Sevakram Bhatt
(મનહર)
લાડકડી બ્હેન! મારી વ્હાલની ભરેલી બ્હેન!
વિનોદ વિવેક ભરી વાણી કેમ વીસરે?
ગુણ ગણ ગણી ગણી ઘડી ઘડી સંભારતાં,
નયનથી વારિ ધારા વાર વાર નીસરે;
તનમાં છે શોક ભર્યો મનમાં છે શોક ભર્યો,
શોકનો સમુદ્ર આજ આવેશમાં ઉભરે;
શોક રૂપ સ્થાવરને શોક રૂ૫ જંગમનું,
અરેરે!! ચિતારો કિયો ચિત્ર તેનું ચીતરે?
મુખ તારૂં જોવું નથી સુખ દુઃખ જોવું નથી,
લાભ હાની તારાં નથી અમારે સંભારવાં;
પતિયાળું ખાતું હવે સમેટી સુશિલ બ્હેન!
વિચર્યાં વિયોગ વાટે પાછાં ક્યાંથી વાળવાં?
વ્હાલનાં વચન તારાં વ્હાલના વિચાર તારા,
સંભારી સદૈવ તને શોક–આંસુ ઢાળવાં;
વ્હાલેશરી બ્હેન મારી! આભ આજ ત્રૂટી પડ્યું,
તિવ્ર તન મન તણાં કષ્ટ કેમ ખાળવાં?
કાઢવી ક્યાં ભાળ તારી, બ્હેન! ભવસાગરમાં?
સૂઝતો કો’ પંથ નથી હામ હારી બેશીએ;
સાંભળીએ વાસ પૂર્યો પ્હાડના પ્રદેશ વિષે,
સંકટ વિકટ વેઠી પર્વતમાં પેશીએ;
સરીતા કે સાગરની સમીપ સંતાયાં બ્હેન!
વરૂણની વ્હાર માગી મુખ તારૂં પેખીએ;
ભવોભવ વીતિ જાય યુગ ભલે વીતિ જાય,
શોધ જો સફળ થાય નેટ તને ભેટીએ.
બ્હેન! બ્હેન! કહી તને બોલાવતો જ્યારે જ્યારે,
સ્વર મારો સુણતાં જ હુંકારો તું આપતી;
બ્હેન! ન્હાના ભાઈ તારા રીસમાં ભરાતા કદી,
મીઠાં મીઠાં વચનથી પ્રેમથી પટાવતી;
સહોદર સાથે મળી મધુરૂં ગાયન કરી,
રાગ નવા નવા શીખી વાજામાં વગાડતી;
સુનકાર ભણકાર ઉતપાત ઓચિંતો આ,
વિશાદની વેદના તે શોકને વધારતી.
રંગ રાગ ઉડી ગયો અંતરથી આજ અરે!!
ભંગ થયા મનોરથ ઉમંગ વધારતા;
વૈભવ ને વિલાસના વિષય તે વિષ રૂપે,
ગાન તાન હર્ષનાદ જાણે બાણ મારતા;
જે જે અનુકૂળ હતો વાદ ને વિનોદ રસ,
ભાવ બીજા બધા તેવા કઠોરતા ધારતા;
કુટુંબ કલ્લોલ કથા આજ શોક રૂ૫ એતો,
દારૂણ આ દુઃખતણી વદું કોને વારતા?
ભાઈ ભાઈ ભાખતી તું ઘડી ઘડી બ્હેન! મારી,
ભણકાર સ્વરના તે ભીતરમાં વાગે છે;
સાંભળવા શબ્દ નથી વચન એ વ્હાલ ભર્યાં,
એવા એવા વિચારથી શોક-જ્વાળા જાગે છે;
કંઠે કવિતા કરીને ગાતી તું કવિતા મારી,
છેલીવ્હેલી ગાઈ લીધી લાગણું તે લાગે છે;
ભલે કવિતાના ભોગી અન્ય તે કવિતા ગાશે,
તારી તોલે તુંજ બ્હેન! ખોટ કોણ ભાગે છે?
વિલાતના કાગળની છાપ તું વિલોકી બ્હેન!
“ભ્રાતાનો છે પત્ર આ તો” રાજી થઈ ભાખતી;
વાંચતી વંચાવતી તે અંતર આનંદ ભરી,
બંધુતણાં પત્ર પ્રીતે સંભાળી તું રાખતી;
વ્હાલના વિચાર અને સમાચાર વ્હાલતણા,
વ્હાલની વાણીમાં વીંટી પત્ર તું પઠાવતી;
કામ એવું સોંપ્યું કોને? વિયોગ ને શોક આપી,
વિચરી તું કઈ વાટે? કહેણ નથી કહાવતી.
છબી તારી વ્હાલી બ્હેન! આવતી જોવામાં એક,
એની એજ છબી હવે અનેક દેખાય છે;
ઘરમાં કે બ્હાર જ્યારે વિચારૂં વિમાસું બ્હેન!
ન્યારી ન્યારી છબી ત્યારે તારી ખડી થાય છે;
હસતી હું છબી ભાળું ઉદાસીન છબી ભાળું,
વાંચતી ને લખતી ને જમતી જોવાય છે;
અંતરના કાચ પર અસલ છાપેલી છબી,
નકલો અનેક તેની નવી આળેખાય છે.
પુસ્તકોના કબાટમાં પુસ્તકોનો જથો જોઈ,
સારાં સારાં શોધી શોધી વાંચતી વિચારતી;
ભ્રમર મધુર રસ પાન કરે પુષ્પમાંથી,
તેમ સદ્બોધ બ્હેન! જ્ઞાનનો તું ધારતી;
શ્રવણ કરાવા જોગ બોધ બ્હેનપણીઓને,
સ્મરણની પોથીવિષે હોંસથી ઉતારતી;
એની એજ ચોપડીઓ જાણે બંધીખાને પડી,
દયામણા દેખાવથી આરત ઉચારતી.
અવતાર નગર કે ગામમાં જો ધાર્યો હોય,
બ્હેન! ભાળ કાઢવાને આવિયે ભાગોળમાં;
ભાળ મેળવીએ પછી શેરી કાં પાડોશીતણી,
પેરે પેરે પૂછી પછી પેશીએ જ પોળમાં;
ઘરમાં પ્રવેશ કરી પ્રશ્ન પૂછીએ પછીથી,
આપે જો એધાણી કોઈ ઓળખની ઓળમાં;
અરે! જીવ ભૂલે કેમ? જ્ઞાન બળ એટલું એ,
પામ્યો નથી માનવી કો' ભૂતળના ગોળમાં.
બ્હારથી હું આવી જ્યારે દ્વારમાં પ્રવેશ કરૂં,
વાદ્યતણો નાદ ઉર ઉલ્લાસ વધારતો;
મધુર તે રાગ ગાન સ્વર તે મધુરો બ્હેન!
સાંભરતાં વાર આજ વિષાદ વધારતો;
એનો એ વિચાર અને ખ્યાલ એક વિયોગનો,
જીવ ગભરાવતો ને ત્રાસ પોકરાવતો;
અંતરનો શોક ઊંડો ઘડી ઘડી કોને કહેવો?
સ્હેવો મુંગે મોઢે ભલો, ચિત્ત ચચરાવતો.
સ્વર તારો સાંભળીને કોકિલ હું રાજી થતો,
સ્વર એ મધુર હવે શર રૂપ લાગે છે;
વસંત છે તારે મન વિપત અમારે મન,
વિનોદને ઠામ આજ શોક શર વાગે છે;
મનના તરંગ રંગ નવા નવા ઉપજતા,
એના એજ મનોરથ ભંગ થઈ ભાગે છે;
પ્રફુલ્લતા પ્રસન્નતા ધારતું જે તન મન,
વ્યાકુળતા ધારી ધારી વિલાસને ત્યાગે છે.
બ્હેન! તારો વિયોગ તો નથી માસ વરસનો,
જેમ તેમ કરી અમે વાસર વીતાવીએ;
કાશી કાં કેદાર તણી ગોકુળ મથુરાંભણી,
વિચર્યાં જો યાતરાએ મળવાને આવીએ,
આશ એવી રાખીએ કે વળશો ફરીને બ્હેની!
કાંતો પત્ર લખી લખી ત્વરાથી તેડાવીએ;
ઠામ ને ઠેકાણું નહિ અત્ર નહિ તત્ર નહિ,
વ્હાલી બ્હેન! ખોળી ખોળી ક્યાંથી તેડી લાવીએ?
ભૂગોળને ખગોળના નકશાને ન્યાળી ન્યાળી,
ભૂમિ ભૂમિ ખંડ ખંડ નોંખા નોંખા લેખીએ;
પરલોક નામે કોઈ ખંડ કે ઇલાકો કોઈ
દેશ કે પ્રદેશ એવો દૃષ્ટિએ ન દેખીએ;
પેગંબર દિગંબર સુણ્યો નથી દીઠો એવો,
જેને પૂછી પાર પામી સાર કાંઈ પેખીએ;
નરવર એેવો કોઈ દેવ અવતારી મળે,
એવા અવતારી પાસે નિશાની આળેખીએ.
આનંદને આપનારી વિનોદ વધારનારી,
લુખી લુખી ફિકી ફિકી કવિતા તે ભાસે છે;
રૂધિર વિકાર થતાં રૂપ રંગ ફરી જાય,
કવિતાની કાયા તેમ ગ્લાનિમાં વિમાસે છે;
કવિતાને રસ ગયો મોહને મમત ગયો,
આશા અભિલાષા બધી નિરાશાથી નાસે છે;
રગોરગ રમી રહ્યો રંગ જે કવિતા તણો,
રંગ તેવો ભંગ થતાં તન મન ત્રાસે છે,
સંભાળ સંભાળ પ્રભુ! રાતદિન લેવરાવી,
આશાને આશામાં રાખ્યાં વાત શું વિચારીએ?
કલેશ કલપાંત કરી કરગરી ફરી ફરી,
વિભુ તારી વ્હાર માગી કેટલું સંભારીએ?
સાગરમાં તરી તરી બૂડશે ખાડીમાં નાવ,
ખ્યાલ ખોટો પ્રથમથી કેમ કરી ધારીએ?
દોષ દેવો કોને હવે? ભાગ્યનો જ્યાં દોષ હોય,
વિરહ ને વિપતનો ભાર ક્યાં ઉતારીએ?
બ્હેન! તારા વિયોગથી સુનકાર કુટુંબમાં,
ભણકાર ભૂવનમાં ઘડી ઘડી વાગશે;
બ્હેન! તારાં મેલ્યાં મૂક્યાં વ્હાલાં વસ્ત્ર ભૂષણ ને,
વ્હાલાં તારાં પુસ્તકોને જોતાં શોક જાગશે;
બ્હેન! વ્હાલા પત્ર તારા વ્હાલા બંધુને લખેલા,
એના એજ પત્ર હવે દુઃખરૂપ લાગશે;
આવાં આવાં સંભારણાં અનેક મૂકીને ચાલ્યાં,
કુટુંબ સમૂહ વિષે ખોટ કોણ ભાગશે?
ભીડ ભાગે દ્રવ્યતણી હસ્તી અને હયતણી,
ચાકર ને નોકરની ભીડ તેવી ભાગશે;
૫ક્ષતણી ભીડ ભાગે રક્ષકની ભીડ ભાગે,
સંતતીની ભીડ કદી ભગવાન ભાગશે;
એવી બીજી અનેક છે ભાખું ભીડ કેટલીએ,
ઈશ્વરની ઇચ્છાથકી ભીડ બધી ભાગશે;
ભોગવવી ભીડ સ્હેલી ભૂલીએ ભૂલાય કદી,
બ્હેન! તારા વિયોગની ભીડ કેમ ભાગશે?
સૂરજ ને શશિ તમે શાક્ષીરૂ૫ જગતના,
સર્વત્ર તમારૂં તેજ સર્વદા પ્રકાસે છે;
દિવ્ય ચક્ષુથકી ન્યાળો નવે ખંડ ન્યાળી ન્યાળી,
વ્હાલી મારી બ્હેનતણી ભાળ ક્યાંઈ ભાસે છે?
નગ ને નગરો ન્યાળો નભનાં નક્ષત્રો ન્યાળો,
સાગર સરિતા ન્યાળો વાસ ક્યાં નિવાસે છે?
આરત ઉચ્ચાર આજ દેવ! ઉર ધારો મારા,
તનયા વિરહથકી તન મન ત્રાસે છે.
રત્નાકર પૂછું તને હરાયું છે રત્ન મારૂં,
આવ્યું તારા ભંડારમાં હોય તો બતાવજે;
મારા રત્ન થકી રત્ન ચૌદ ચઢીઆતાં ભલે,
મારે નથી કામનાં તે તારાં તું રખાવજે,
મોંઘું મારૂં રત્ન એક અવનવું રત્ન એતો,
શોધવાથી હાથ લાગે પાછું તે અપાવજે;
ઠામ ને ઠેકાણાતણી નામ ને નિશાનતણી,
ખોળધરતણી ભલે ખાતરી કરાવજે.
ભાઈ ભાઈ ભાખી ભાખી વ્હાલનાં વચન વદી,
ડાહી ડાહી ડા'પણની વાતો બ્હેન! કહાડતી;
ગાઈ ગાઈ પ્રભુપદ ભ્રાતા ભગિનિની સાથે,
પાઈ પાઈ પ્રેમપાન વાસર વીતાડતી;
ન્હાઈ ન્હઈ પ્રભાતમાં સેવા પૂજા સજી લેતી,
ઘાઈ ઘાઈ કરી કદી ગાભરાં ન પાડતી;
કાઇ કાઈ થઈ હોય કોઈ કારણથી તોયે,
રાઈ રાઈ જેટલીએ રીસ ન દેખાડતી.
માતા વલવલ કરે નયનમાં નીર ભરે,
શોકને વિચાર લાવી શરીર સુકાવે છે;
સમાગમ સુખ તારૂં વ્હાલનું વદન તારૂં,
વાતો અને વ્હાલ તારૂં ઉર ઉભરાવે છે;
દયા દાઝ ધારનારી વ્હાલને વધારનારી,
માયા ભરી માતાતણી દયા શું ન લાવે છે?
અરેરે!! અનર્થ કેવો? નિર્દય છે દૈવ કેવો?
નિરંતર વિયોગનું અંતર પડાવે છે.
વ્હાલો ને વિવેકી ભાઈ વિલાતથી વળી આવી,
લીલાવતિ લાડકડી બ્હેનને ન ન્યાળશે!!
ખોટ એવી આવી પડી ખોટ ન ખમાય તેવી,
મન વાળવાનું કરે તોયે કેમ વાળશે?
ગ્લાનિની છાયા છે પડી રંગમાં છે ભંગ પડ્યો;
વિપત પડી તે પડી કોણ તે તો ટાળશે?
ધાર્યું વાર્યું માણસનું થયું ને થવાનું નથી,
કાળની કઠિણતાને જેમ તેમ ગાળશે.
ભણીગણી બ્હેન! વ્હાલી વિવેક વિચાર સજી,
સારગ્રાહી ગુણ ધાર્યો દુરાગ્રહ ટાળીને;
અમૃત સમાન વાણી વાપરી તેં જાણી બ્હેન!
સુખ અને સંપ તણો ભંડાર તે ભાળીને;
કડવાં વચન કદી નથી વદી રસનાથી,
સરવથી સ્નેહ સંપ સંપૂરણ પાળીને;
ગુણ તારા ગણી ગણી સંભારીએ જેમ જેમ,
તેમ તેમ ખેદ વધે સ્હેવું મન વાળીને.
બ્હેન! તારી જે જે વસ્તુ જોઈ જોઈ રાજી થતાં,
તે તે વસ્તુ જોઈ જોઈ ચિંત્ત ચરચરે છે;
સૈયરના સાથમાં જે ભરત ભરેલાં બ્હેન!
આજ તે તે ભરત ને સાજ સુખ હરે છે;
પ્રબંધનાં પાનાં તારાં સુંદર અક્ષરે લખ્યાં,
આનંદને આપનારાં ઉદ્વેગ તે ભરે છે;
વિલક્ષણ ગતિ કેવી? સમય ને પ્રારબ્ધની,
રીઝવતું મન જે જે તે તે વ્યથા કરે છે.
ગળી ગળી વસ્તુમાંથી ગળપણ ગયું ગયું,
સ્વાદવાળી વસ્તુવિષે કિંચિત ન સ્વાદ છે;
સુંદર વસ્તુઓ થકી સુંદરતા નાશ પામી,
રાગમાંથી રાગ ગયો રહ્યો ક્યાં આહ્લાદ છે?
જ્ઞાન ચરચા ને જ્ઞાન ગોષ્ટિમાં ન સ્વાદ રહ્યો,
ગાન તાન વિષે પણ પૂરણ પ્રમાદ છે;
અનુરાગ ઊઠી ગયો રસ તો રીસાઈ ગયો;
વ્યાપિ રહ્યો રોમ રોમ વિશેષ વિષાદ છે.
જ્યારે જ્યારે પ્રવાસથી પાછો વળી આવું ત્યારે,
આગમન વાત વદે વ્હાલથી આહ્લાદની;
વ્હાલ અને આનંદનાં વેણ ભલાં ભલાઈનાં,
હળીમળી ભાખે બ્હેન! વાણી ન પ્રમાદની;
નવી નવી વસ્તુઓની વ્હેંચણ વિવેક ભરી,
કરી મત મેળવતી વાતના વિવાદની;
સર્વને સંતોષ થાય વ્હાલમાં વધારો થાય,
નિયમ ને વ્રત એજ સેવા પ્રભુપાદની.
આનંદને હર્ષતણા દિવસ ગયા તે ગયા,
કરૂણ ને શાન્તરસ આજ તો છવાયો છે;
ઉમંગના તરંગનો વેગથી પ્રવાહ વ્હેતો,
તરંગનો સમુદાય આજ સંકોચાયો છે;
તરણીનું તેજ હતું જળહળ ઝળકતું,
છાયા શોકની છવાતાં ઉજેશ અંજાયો છે;
પાડે છે પ્રકાશ કોણ? છાવે છે પ્રકાશ કોણ?
આપનાર હરી લે છે મત એ મનાયો છે.
બ્હેન! ઝાઝું જીવી હોત સુખ ઝાઝું આપત તું,
અંતર ભંડાર ભર્યો વિચાર વિવેકનો;
ભલાઈ ભલાઈ ભરી ભરી ભરપૂર બ્હેન!
સાહેલીઓ સંગે રાખ્યો સ્નેહ સાચો ટેકનો;
એજ વ્હાલ વિવેકને ટેકને સંભારી આજ,
વાણીથી વખાણે આજ પ્રેમ એક એકનો;
સગાં ને સંબંધી સાથે મમત્વનો ભાવ રાખી,
સુખ સંપ શોભાવત ઘરમાં પ્રત્યેકનો.
શાણી વસુમતિતણો પરલોક વાસ થતાં,
શોકાતુર બ્હેન! કેવી? વાત શું ઉચારિયે?
પોતે પણ પાછળથી પરલોકે પરવરી,
શોક-સમુદ્રમાં નાંખ્યાં વાત શું વિસારિયે?
રણુછડભાઈ તણી પુત્રી પશીબ્હેન જાતાં,
કુટુંબનું કષ્ટ અને વિષાદ વિચારીયે;
બ્હેનપણી કમળ ને લેખાં, ગુલબાઈતણું,
કષ્ટ પ્રેમ-પાસતણું કેમ તે નિવારિયે?
ઘાઈ ઘાઈ = ઉતાવળ, રધવાયાં, ધાંધળ; કાઈ કાઈ = કંટાળી ગઈ હોય
સ્રોત
- પુસ્તક : સૌ. લાડકી બ્હેન (લીલાવતી) વિરહ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : છોટાલાલ સેવકરામ
- પ્રકાશક : નૂતનવિલાસ પ્રિન્ટિંગ પ્રેસ, વડોદરા
- વર્ષ : 1902
