દલપતરામ
Dalpatram
વાંચનારને વિશેષ વિચાર પમાડનારી,
દિસે છે દેખાડનારી દોસ્તીના દેખાવની;
નીતિ લાભ નોંધનારા, બીજાઓને બાંધનારા
સાબાશીના શોધનારા, સાહેબોના દાવની;
વરણવી એમાં વાત ખરેખરી થવા ખ્યાત,
સ્નેહવંત શાણા સરદારના સ્વભાવની;
રાખવા આ ઠામ નામ દાખે દલપતરામ,
બાંધી બુક ફારબસ વિરહ બનાવની.
(રાગ પરજીઓ)
ફરી હવે ફારબસ જેવો રે,
અમલદાર ક્યાં મળે એવો. ટેક...
ઇસ્વી અઢાર એકવીસ વર્ષે,
જન્મ્યો વિલાયત દેશ,
ઉત્તમ અંગ્રેજી અભ્યાસ કરીને,
વિદ્વાન બનિયો વિશેષ. ફરી...
અલેક્ઝાંડર કિન્લાક એવું,
નિર્મળ જેનું નામ;
સરદારી કુળમાં સરસ ગણાયો,
તાલમ પામ્યો તમામ. ફરી...
ત્રેવીશ વર્ષની ઉંમરે તેતો,
આવ્યો મુંબઈ મોઝાર;
જડજ કલેક્ટર પોલિટિકાલનો,
પામ્યો ઉત્તમ અધિકાર. ફરી...
ગુજરાતમાં ઘણાં વર્ષ ગુજાર્યા,
કીધાં સારાં સારાં કામ;
સેંકડો લોક સંભારતા રહેશે,
નહિ કદી ભૂલે નામ. ફરી...
સુરત ને અમદાવાદ થાપી,
પુસ્તકશાળા વિશાળ;
ગુજરાતમાંહિ સોસાઇટી થાપી,
સાદરામાંહિ નિશાળ. ફરી...
આંધળાં લૂલાંને આપતો એ તો,
દિન દિન પ્રતે દાન;
કવિ પંડિત જનનું પણ કરતો,
સારી રીતે સનમાન; ફરી...
શૂરા પુરાનું શુરાપણું દેખી,
દેતો સારો સિરપાવ;
કારીગરી કરી લાવે કારીગર,
ભાળવા રાખતો ભાવ. ફરી...
એવા એવા ગુણવંતોને એ થકી,
અંતર વધતી ઉમેદ;
તેઓ તણો ગુણજાણ જવા થકી,
ખૂબ પામ્યા સૌ ખેદ. ફરી...
વિદ્યાવંત ને પૂરો વિવેકી,
સરવ કળાનો સુજાણ;
સદર અદાલતનો થઈ સૂબો,
પામ્યો વિશેષ વખાણ. ફરી...
મુંબઈમાંહિ સોસાઇટી મોટી,
એણે કરી ઉતપંન;
ગુણવંતી ગુજરાતી ભાષાનું,
માન વધારવા મંન. ફરી...
ગરીબ તવંગર સરખાજ ગણતો,
સૌ સાથે કરતો સ્નેહ;
ગોરાકાળા પણ સરખા જ ગણતો,
અભિમાન ધરતો ન એહ. ફરી...
દેશી રાજાઓના ઉપર દીલથી,
રાખતો દૃષ્ટિ રહેમ;
હક સાચવનાર ને હિતકારી,
કદીએ વિસરશે કેમ? ફરી...
જીવન પ્રાણ જેવો તે જવાથી,
નર થયા કઈક નિરાશ;
મેળાપીને ફરીથી મળવાની,
અંતર રહી ગઈ આશ. ફરી...
દુર્ગુણ તો જેમાં જરીયે ન દીઠો,
સદ્ગણનું જ સુપાત્ર;
ઈશ્વરે એના અંતઃકરણમાં,
મેલેલા સદ્ગુણ માત્ર. ફરી...
સ્નેહનો સાગર શીળો સ્વભાવે,
મુખમાં ભરેલી મીઠાશ;
પર ઉપકારી કામમાં પોતે,
કાંઈ ન રાખી કચાશ. ફરી...
ડહાપણદાર ને દિલનો દયાળુ,
અદલ એનો ઇનસાફ;
આ દેશનું શુભ એ ઇછનારો,
ઉમદો અને અશરાફ. ફરી...
આળસ તો એના અંગમાં નહોતી,
કરતો અધિક ઉદ્યોગ;
મનન ઘણું કર્યું તેથી મગજમાં,
રાજસી ઉપજ્યો રોગ. ફરી...
પંદર દિવસની પીડા પામીને,
દીધો તેણે તજી દેહ,
નામ એનું નથી નાશ થવાનું,
અજર અમર છે એહ. ફરી...
સાલ પાંસઠે આગસ્ટની આખર;
પુનામાં પામ્યો મરણ;
દોસ્ત ઘણા દીલગીર થયા,
ઝરે આંખે આંસુનાં ઝરણ. ફરી...
કાવ્ય સુણી કરશે કવિયોનો,
કોણ હવે સતકાર,
ચારણ ભાટના ચોપડા જોઈ,
શોધી લેશે કોણ સાર. ફરી...
મુલક મુલકમાં મુસાફરી કરતાં,
કીધો હશે જ્યાં મુકામ;
સારો સારો કહી સંભારતાં હશે,
ત્યાંનાં મનુષ્ય તમામ. ફરી...
ઓ પ્રભુ, આપ તો એવાજ આપજે,
શાણા રૂડા સરદાર;
એજ અમારી અરજ અંતરમાં,
ધારજે જગદાધાર. ફરી...
તુજને ગમ્યું તે ખરૂં, પ્રભુ તેમાં,
નથી અમારો ઉપાય;
અતિ હિતકારી જવાથી અમારૂં,
અંતર અતિ અકળાય. ફરી...
બહુ ઉપયોગીને બોલાવી લીધો,
ધણીયે પોતાને ધામ;
લેખ એના ઇતિહાસનો લખવા,
રાખિયો દલપતરામ. ફરી...
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 109)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
