Purvanuragsmaran (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

પૂર્વાનુરાગસ્મરણ (ફાર્બસ વિરહ)

Purvanuragsmaran (Farbas Virah)

દલપતરામ દલપતરામ
પૂર્વાનુરાગસ્મરણ (ફાર્બસ વિરહ)
દલપતરામ

(મનહર છંદ)

કાવ્ય. અલંકાર તણા ગ્રંથનો અભ્યાસ કરી,

જીવ જોડી રાખ્યો તો મેં કવિતાની જકમાં;

શોધતો હતો હું કોઈ શાણો સરદાર નર,

બોધતો હતો હું મહીનાથને મુલકમાં;

કોઈ દીલદાર ને ઉદાર દરબારમાં હું,

રહેવાની રૂચિ અતિ રાખતો ઇશકમાં;

દીલમાં વિચારતો હું હતો દલપત કહે,

ફારબસ તણું તેડું આવ્યું તેવી તકમાં,

ખાનપરે દ્વારે જ્યારે નદીને કિનારે સારે,

મેળો થયો મારે ચાંદા સુરજનાં મેહેલમાં;

ઇસ્વીસો અઢારે અડતાળીશમી સાલ ત્યારે,

પ્યાર કીધો પ્યારે પરિપૂરણ પેહેલમાં;

પાસે રહ્યે પાંચ ગણો દૂર રહ્યે દશ ગણો,

થયો ઘણો ઘણો સ્નેહ સરસ સહેલમાં;

જેવો મુખ સ્નેહ કીધો અંત સુધી રાખી લીધો,

ફેરફાર નહિ કીધો મુખ કથન કહેલમાં.

(સોરઠા)

વચને પ્રીત વિવેક, એવા મિત્ર અનેક છે;

છાતીરંજન છેક, એકજ જડે અનેકમાં.

સર્વ વચન સચવાય, ત્યાં સુધી પ્રીતિ ટકે;

ચૂક પડ્યે ચુંથાય, કાચી પ્રીતની રીત તે.

(મનહર છંદ)

લાડનો લડાવનાર દોસ્ત દીલદાર ગયો,

કોણ હવે મને લાડ કોડથી લડાવશે;

સુખ દુખવારનો પોકાર શુણનાર ગયો,

કોણ હવે સુખ કરી શોકને શમાવશે;

હિમતદાતાર હિમાયતુ હિતકારી ગયો,

કોણ હવે હૈયે મને હિંમત ધરાવશે,

કહે દલપતરામ સાહેબ કિન્લાક વિના,

કોણ માઇ ડીઅર કહી મને બોલાવશે.

વિચારી વિચારીને વિસારી દૈયે વાત પણ,

વિસરતી નથી શું વિસારતાં વિસારીએ;

ધારી ધારી જોઈ ધારો ધારીએ ધીરજ પણ,

ધારતાં ધરાતી નથી ધીરજ શું ધારીએ;

ઠરવાનું ઠામ ગયું માટે કોઈ ઠામે મન;

ઠરતું નથી કીએ ઠેકાણે ઠરી ઠારીએ;

દોસ્તદાર ફારબસ વિના દલપત કહે,

કાળજાનું કષ્ટ કેની આગળ ઉચારીએ.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002