‘phorbasawirah’manthi ek ansh - Karun Prashasti | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

‘ફોર્બસવિરહ’માંથી એક અંશ

‘phorbasawirah’manthi ek ansh

દલપતરામ દલપતરામ
‘ફોર્બસવિરહ’માંથી એક અંશ
દલપતરામ

(ધનાક્ષરી છંદ)

પાઈ પાઈ પ્રેમપાન પ્રથમ તેં પુષ્ટ કર્યો,

પછી પીડા પમાડી વિજોગ પાન પાઈ પાઈ;

ધામ ધાઈ ભેટવાને આવતો હું તારે ધામ,

ધીમે રહી સામો ઊઠી આવતો તું ધાઈ ધાઈ;

ગાઈ ગાઈ ગીત તને રીઝવતો રૂડી રીતે,

ગુજારું છું દિવસ હું હવે દુ:ખ ગાઈ ગાઈ;

ભાઈ ભાઈ કહીને બોલાવતો તું ભાવ ધરી,

ભલો મીત્રતાનો ભાવ ભજાવ્યો તે ભાઈ ભાઈ.

(મનહર છંદ)

જે જે જગા તારી જોડે જોતાં જીવ રાજી થતો,

તે તે જગા આજ અતિશે ઉદાશી આપે છે;

કાગળો કિન્લાક તારા દેખી દુઃખ દૂર થતું,

એજ કાગળો કાળે કાળજાને કાપે છે.

જે જે તારાં વચનોથી સર્વથા વ્યથા જતી તે,

વચનો વિચારતાં વ્યથા વિશેષ વ્યાપે છે;

દૈવની ઉલટી ગતિ દીઠી દલપત કહે,

જેથી સુખ શાંતિ થતી તે સઉ સંતાપે છે.

તું જળ સ્વચ્છ રૂપે તો હું બનું મત્સ રૂપે

જો તું ચંદ્ર હોય તો ચકોર થવા ચાહું છું;

જો તું હોય દીવા રૂપે તો ધરૂં પતંગ અંગ,

તું વસંત રૂપ હું કોકિલ ગુણ ગાઉં છું;

જો તું હોય હીરા રૂપે તો હું બનું હેમ રૂપે,

તું-સુરજ વિના હું કમળ કરમાઉં છું;

કેવે રૂપે થયો ને ક્યાં ગયો તેની ગમ નથી,

એથી કિન્લાક મિત્ર મનમાં મુંઝાઉં છું.

રસપ્રદ તથ્યો

એલેકઝાંડર કિન્લાક ફોર્બ્સ (૧૮૨૧-૧૮૬૫). ૧૮૪૬માં તેમની નિમણૂક અમદાવાદમાં સહાયક ન્યાયાધીશ તરીકે થઇ હતી. ૧૮૪૮માં તેઓ કવિ દલપતરામને મળ્યા જેમણે તેમને ગુજરાતીમાં લખતા શીખવ્યું, જ્યારે ફાર્બસે દલપતરામને ગુજરાતીમાં સર્જન કરવાનું ઉત્તેજન આપ્યું. તેઓ ગાઢ મિત્રો બન્યા. તેમણે દલપતરામને ૧૮૪૯માં પ્રકાશિત પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મી નાટક લખવાની પ્રેરણા આપી હતી, જે ગ્રીક નાટક પ્લુટુસ પર આધારીત હતું. તેમણે ૧૮૫૦માં સુરતમાં એન્ડ્રુ પુસ્તકાલયની અને ૧૮૬૫માં મુંબઈમાં ગુજરાતી સભાની સ્થાપના કરી હતી. ગુજરાતી સભાનું પાછળથી ફાર્બસ ગુજરાતી સભા તરીકે તેમના નામ પરથી નામકરણ કરવામાં આવ્યું હતું. ૧૮૫૨માં તેમણે ઇડરમાં ગુજરાતી કવિઓનું સંમેલન ગોઠવ્યું હતું. દલપતરામનું ફાર્બસવિલાસ કાવ્ય આ સંમેલનનું વર્ણન કરે છે. એમના અવસાન બાદ દલપતરામે એમની સ્મૃતિમાં લખેલ કાવ્યનો આ અંશ છે.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008