tun jatan - Karun Prashasti | RekhtaGujarati

[સદ્ગત પત્નીને]

પ્રજળી કજળી ગઈ ચિતા,

ઉર બીજી સળગી સદાયની!

જલશે જીવતાં લગીય રે

સપનોનું સમશાન જિંદગી!

દિન સૌ ભડકા આગના!

રજની સૌ ઢગલા ખાખના!

વિધિના વસમા વાયરા!

પ્રિય! આશાઅવસાન જિંદગી!

પગમાં નવ હો ઉપાન, ને

ધખતી હોય ધરા ધોમથી,

જલ હોય જોજનો લગી,

ઊડતી હોય આગ કંઠથી;-

તન ને મન ને તપાવતો

ત્યમ હું એકલ જાઉં રે ધપ્યો!

ભવનો પથ પ્રલંબ રે

અણખૂટ્યો, પણ ખેડવો રહ્યો!

કરચો સહુ એકઠી કરી,

સપનોની ગઠડી શિરે ધરી,

કદમે કદમે તને સ્મરી,

કરતો કૂચ મુકામની ભણી!

(૯-૧૦-૪૭)

સ્રોત

  • પુસ્તક : પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સર્જક : બાલમુકુન્દ દવે
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1991
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ