smshane - Karun Prashasti | RekhtaGujarati

ઉષા..

લીધી'તી જે હાથે જરીક રડતાં બાપડી! તને,

ધરી છાતી સાથે જહીં સૂઈ જતાં એક શયને;

તહીંથી, તે હાથે ઉંચકી તુજને પંથ પળતો,

પિતા તારો જોને-જગત ભર બપ્પોર બળતો.

ધિખી ભૂમિ નીચે, અગન વરસે આભથકી ને,

બળે હૈયું મારૂં, ક્યમ કરી પડે ચેન તુજને?

કહી દે, શું સાચે શીતળ શીતળામાં શમી રહી?

ઢળી ખાંધે, ક્હે, શું અમ ઘર ‘ઉષા’ આથમી ગઈ?

કહે તે ઓઢાડું, કુસુમ કુમળાં આંચ અડે,

કહે ત્યાં પોઢાડું, કટુ રવ જરી કાન પડે;

પરંતુ હાથે-નહિ નહિ કદિ નહિ બને,

કળી બીડાઈ! નવ ધરીશ અંગાર હું તને.

હતી માની મોંધી, ફરી મૂકી દઉં માત ઉર હું,

રડે બીજાં હું તો ખળખળ જતાં નીર નીરખું;

વળું ખાલી હાથે ઘર ભણી, પૂછે દ્વાર મહીં એ,

‘પ્રતાપી તાપીને તટ મુજ બટુ શું નહિ રૂવે?'

શમાવી સર્વના તાપો, પુણ્ય દિન છો પળે,

બળેવે બાળકી પોઢી, બળેવ સદા બળે.

સ્રોત

  • પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : 2