mitra prati ukti (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

મિત્ર પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)

mitra prati ukti (Farbas Virah)

દલપતરામ દલપતરામ
મિત્ર પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)
દલપતરામ

(સોરઠા)

વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે;

નેહ ભરેલાં નેણ, ફરી દીઠાં ફારબસ.

આજ કાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં;

ભેળા થઈને ભ્રાત, ફરી બેઠા ફારબસ.

પામ્યો ગતિ પવિત્ર, જઈને બેઠો જોખમાં;

મિત્ર તણી તેં મિત્ર, ફિકર રાખી ફારબસ.

દિલ થશો દિલગીર, વેલેરા મળશું વળી;

વદીને એવું વીર, ફરીને મળ્યો ફારબસ.

ઉચર્યો કદી એક, જુઠો દિલાસો જીભથી;

છેલીવારે છેક, ફોગટ બોલ્યો ફારબસ.

દીઠા નહીં દેદાર, સંદેશો નહિ સાંભળ્યો;

કાગળ પણ કો વાર, ફરી લખિયો ફારબસ.

હેતે ઝાલ્યો હાથ, છેક કદી નહિ છોડતો;

મળ્યે સ્વરગનો સાથ; ફંટાયો તું ફારબસ.

માનવ જાતી માત્ર, ભલે વસે સઉ ભૂમિમાં;

પણ પ્રીતિનું પાત્ર, ફૂટી ગયું રે ફારબસ.

લાખ લડાવ્યાં લાડ, સુખ તે તો સ્વપ્ને ગયું;

ઝાઝાં દુખનાં ઝાડ, ફળવા લાગ્યાં ફારબસ.

અંતરની ગત એક, ઈશ્વર જાણે આપણો;

છેટું પડ્યાથી છેક, ફરૂં ઉદાસી ફારબસ.

તારા બોલ તણાજ, ભણકારા વાગે ભલા;

ઉપજે ઘાટ ઘણાજ, ફરી ક્યાં દેખું ફારબસ.

નેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે;

વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002