દલપતરામ
Dalpatram
સાદરાથી સ્વારીમાં સિધાવતા જ્યાં સાથે સાથે,
આવજો પછીથી એવું ભાવે મુખ ભાખતો;
આગળ સિધાવી આપ કરીને મુકામ સારો,
મારે કાજે સરસ મુકામ શોધી રાખતો;
પરલોક પંથે પણ પ્રથમથી પોતે ગયો,
એ પણ ગયો હશે શું એવું અભિલાખતો;
કહે દલપતરામ શોધીને સારો મુકામ,
રાખજે સંભારીને રખે વિસારી નાંખતો.
એક વર્ષ અંતરે છે આપણો જનમ પણ,
હું તને પીછાણતો નહીં કશી પીછાણથી;
નામ મારૂં સાંભળી મુદામ મોકલી મનુષ્ય,
વાલા તેં મને તેડાવી લીધો વઢવાણથી;
દેખાડી અપાર પ્યાર પદરથી દૈ પગાર,
પાસે રાખી પોતે મને પ્યારો ગણ્યો પ્રાણથી;
કહે દલપત સર્વ લાયકથી લાયક તું,
લાયકી તારી લખી શકાય ન લખાણથી.
(ઇંદ્રવિજ્ય છંદ)
જન્મ જુદી જમિમાં ધરીને પણ, તું મુજ જન્મ ભૂતર્ફ તણાયો,
એક થયું મળીને મન આપણું, જીવ મળી વળી એક જણાયો;
પંડ જુદો પડવો ન ગમ્યો પ્રિય, અંતસમે ગુણ એ જ ગણાયો,
દેહ રહે એક દેશ વિષે ગણી, તું મુજ દેશ વિષે ડફણાયો.
તેં મુજને તનને મન મેળવી, લાડ અધીકથી ખૂબ લડાવ્યો;
હેત ધરી મુજ હાથ ગ્રહી, નિજ ચારઠ ઉપર ચાહી ચઢાવ્યો;
ફેરવીયો પુરમાં પુર બાહર, જાહેર જીવ શું જીવ જડાવ્યો;
આગળથી સુખ આપી અપૂરવ, રે પ્રિય પાછળ કેમ રડાવ્યો.
સાકરથી તન શાંતિ થતી નથી, શાંતિ કરી ન શકે જ નિશાકર;
પા કર ઝાલી પ્રીતિ રસ પ્રીતમ, કષ્ટ વિલોકી કૃપાળુ કૃપાકર;
ના કરતો કદા તું મુજને દુખ, રે કરૂણારસના રતનાકાર
ઘા કરવો ન ઘટે ઘટ ભીતર, ઓ પ્રિયફાર્બસ નેહ નિધાકર.
(મનહર છંદ)
ઉતરે નહિ ઉતારી તારી માયા મોહકારી,
કારીગરી તેની ન્યારી નારી અને નરથી;
વિસરે નહિ વિસારી, સારી સંભવે સંસારી,
ભારી છળભેદ ધારી, ધારીએ શું ધરથી;
પ્રથમ પમાડી પ્રીત, પ્રીતમ પ્રિયા સહિત,
હિત મટ્યું વિપરીત, રીતની અસરથી;
વાલીડા કિન્લાક વીર, વિરહે કીધો અધિર;
ધીરજનું છાંટ નીર, નિરખી નજરથી.
(ધનાક્ષરી છંદ)
પાઈ પાઈ પ્રેમપાન પ્રથમ તે પુષ્ટ કર્યો,
પછી પીડા પમાડી વિજોગ પાન પાઇ પાઇ;
ધાઈ ધાઈ ભેટવાને આવતો હું તારે ધામ,
ધીમે રહી સામો ઉઠી આવતો તું ધાઈ ધાઈ;
ગાઈ ગાઈ ગીત તને રીઝવતો રૂડી રીતે,
ગુજારૂં છું દિવસ હું હવે દુઃખ ગાઈ ગાઈ;
ભાઈ ભાઈ કહીને બોલાવતો તું ભાવ ધરી,
ભલો મિત્રતાનો ભાવ ભજાવ્યો તેં ભાઈ ભાઈ.
(મનહર છંદ)
જે જે જગ્યા તારી જોડે જોતાં જીવ રાજી થતો,
તે તે જગ્યા આજ અતિશે ઉદાસી આપે છે;
કાગળો કિન્લાક તારા દેખી દુ:ખ દૂર થતું,
એજ કાગળો આ કાળે કાળજાને કાપે છે;
જે જે તારાં વચનોથી સર્વથા વ્યથા જતી, તે
વચનો વિચારતાં વ્યથા વિશેષ વ્યાપે છે;
દૈવની ઉલટી ગતિ દીઠી દલપત કહે,
જેથી સુખ શાંતિ થતી તે સઉ સંતાપે છે.
જો તું જળ સ્વચ્છ રૂપે તો હું બનું મત્સ રૂપે,
જો તું ચંદ્ર હોય તો ચકોર થવા ચાહું છું;
જો તું હોય દીવા રૂપે તો ધરૂં પતંગ અંગ,
તું વસંત રૂપ હું કોકિલ ગુણ ગાઊં છું;
જો તું હોય હીરા રૂપે તો હું બનું હેમ રૂપે,
તું–સુરજ વિના હું કમળ કરમાઊં છું;
કેવે રૂપે થયો ને ક્યાં ગયો તેની ગમ નથી;
એથી ઓ કિન્લાક મિત્ર મનમાં મુંઝાઊં છું.
(દોહરો)
અજર જગતમાં જઈ રહ્યો, સુખમય, જ્યાં સંસ્થાન;
જોતાં સજર જગતથકી; ગૂમ થયો ગુણવાન.
(નાગપાશપ્રબંધ—હરિગીત છંદ)
ગુમ થૈ ગયો વિદવાન, કીધિ પક્કી પરમ અહિં નામના;
રે ભ્રાત ભલ જશ ભાગ ભરિ, કરિ કિમતવાચક કામના,
દુષ્કામ દુસ્તર તરિ તરત, ગત વાસમાં વિશ્રામના;
કિન્લાક કહિ જુદું અજર જગ, રે દોસ્ત દલપતરામના.
(ઇંદ્રવિજ્ય છંદ)
કોણ હવે કરશે પ્રતિપાલન, સંકટના પડતાં શિર શાકા;
કોણ દિવાળી દિને દિલ પ્યારથી, મોકલશે ફુલખંડિ ફડાકા.
મિષ્ટ મિઠાઈ નવાઈની ચીજ, અને વળી ઉત્તમ અંચળતાકા;
મિત્ર હવે મુજ બાળકડાં, કહેશે જઈ કોણને સાહેબકાકા.
(મનહર છંદ)
અતડા રહી અમલ કરે અન્ય અંગરેજો
તુચ્છ ગણી તેઓ તણી તજી રીત તેજ તેં;
ભાઈ તુલ્ય સર્વશું સગાઈ તેં સવાઈ સાહી,
અરે ભાઈ અતિશે નવાઈ કરી એજ તેં;
ગુજરાતી ગુણીઓના ગુણની ગણના કીધી,
ભલા ગુણ ભાળી, વાળી આપીયો અવેજ તેં;
કહે દલપતરામ નવે જુગે રાખ્યું નામ,
ઓ અલેકજાંડર કિન્લાક અંગરેજ તેં.
(અરવિંદમુખી છંદ)
બનવો જ અશક્ય બનાવ બને,
વરતાય નહીં વિધિ કૃત્યનિ વાત;
દિવમાંહિ દિવાકર દૂર વસે,
જળમાંહિ જુઓ જનમ્યું જળજાત;
કદી કાગળ પત્ર પિછાન નહીં,
ઉપજી કશી રીતથી પ્રીત અઘાત;
પ્રિય ક્યાં તુજને મુજ મિત્રપણું થવું,
ક્યાં ઇંગ્લાણ્ડને ક્યાં ગુજરાત
(મનહર છંદ)
મુલક મુલકમાંથી ક્યાં જતો મેળાપ થાય,
ક્યાં રાણીનો કિરીટ ને કોહીનુર ક્યાંહિનો;
દેખો હાથીદાંત કોણ જાણે કિયા જંગલનો,
ચળકતો ચૂડો બન્યો બાઇયોની બાંહિનો.
અંતર અપાર પણ પ્યાર પરિપૂર્ણ થયો,
કુમુદિની ક્યાંની ને મયંક નભમાંહિનો;
દાખે દલપતરામ, દેખી લેજો દૈવ ગતિ,
ક્યાં કિન્લાક અંગરેજ ક્યાંહિં વિપ્ર આંહિનો.
(સોરઠો)
તલના તરૂને જેહ, સ્નેહ તણો સંબંધ નહિ;
તલમાં ક્યાંથી તેહ, એ અકળિત ઈશ્વરકળા.
ડફણાયો = દફણાયો; નિશાકર = ચંદ્ર; ધાઈ = ધામ; અજર = બુઢ્ઢાઈ આવે નહિ એવી દુનિયાં; વિધિ = દૈવ; દિવમાંહિ = આકાશ; જળજાત = કમળ; ઇંગ્લાણ્ડ = મૂળમાં 'ઇસકાટ્લંડ' છે; કિરીટ = મુગુટ; કુમુદિની = પોયણી; મયંક = ચંદ્ર; સ્નેહ = તેલ.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 91)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
