દલપતરામ
Dalpatram
(મનહર છંદ)
શાણા સુબા ફારબસે સ્વર્ગમાં કર્યો નિવાસ,
તેનો શોક તજી શા થકી સંતોષ વાળવો;
કવિતા જહાજનો તે ભાગી પડ્યો કુવાથંભ,
ખરેખરો ખેદ તે તો કેમ કરી ટાળવો;
પંડિતોના પારેખની પ્રૌઢ પેઢી ભાગી પડી,
હવે કહો વ્યવહાર શી રીતે સંભાળવો;
દાખે દલપતરામ પામરનો પાળનાર,
મુંબઈમાં હતો તે લુંટાઈ ગયો માળવો.
(ઇંદ્રવિજ્ય છંદ)
તે મુજ મિત્ર ગયો તદનંતર, અંતર દુઃખ નિરંતર આવે;
જાતું રહ્યું સુખ તો શતજોજન, ભોજન ભાવ ભલે નવ ભાવે;
તેની છબી જ તરે નજરે, કદિ એક કલાક ન છેક છુપાવે;
કષ્ટ કથા દલપત્ત કહે, કહું કોણ કને દુઃખ કોણ કપાવે.
તર્ક વિતર્ક કવિત્વતણો, કવિના દિલમાંહિ શિથિલ દેખાણો;
દેશી તણી દરશાઈ દશા બુરિ, જ્યાંતહાં લક્ષ્મી વિનાશ જણાણો;
બુદ્ધિ ફરી બુદ્ધિમાનજનોની, ભલાજનનો પણ જીવ ભ્રમાણો.
દેખિ એવું દલપત્ત કહે, નરફાર્બસ સ્વર્ગ ગયો મન જાણ્યો.
(દોહરો)
નિર્ધન લોકો નિરખિયે, સદન સદન બહુ શોક;
સાહેબ ફાર્બસ સાથ ગઈ, લક્ષ્મી પણ પરલોક.
(મનહર છંદ)
સંધ્યા સમે વસુધા ને વ્યોમતણા સાંધાવિષે,
અવલોક્યો રાતો આભ ચડીને અગાશિયે;
જાણે કે કિન્લાક સુબો જગત તજી જવાથી,
ભૂમિએ ભગવો ભેખ ઓઢ્યો છે ઉદાસિયે;
સૂર્ય શશિ સામસામા પશ્ચિમ પૂરવ પાસે,
તેની ઉપમા તો તેવા તર્કથી તપાસિયે;
જોગણી બણી જરૂર જાણે દલપતરામ,
કાંધે ધરી કાવડ ધરણી ધાઈ કાશીયે.
વાલાના વિજોગવાળી વેદનાની વિગત તો,
જે જને જાણેલી હોય તે જ જન જાણશે;
પ્રસવની પીડા અપ્રસુતા તો પીછાણે નહિ,
પ્રસવની પીડા તો પ્રસુતા જ પીછાણશે;
ઘાયેલના ઘટતણી ઘાયેલ ઘણીક જાણે,
અવર તો એ વિષે અંદેશો ઉર આણશે;
દાદુરનું દુઃખ દેખી દાખે દલપતરામ,
હાડિયો તો હશી ખેલી ખેલ તે વખાણશે.
(ઇંદ્રવિજ્ય છંદ)
ગામ ગરાસ ધરાધન ધામની, ખોટનું દુઃખ ખરૂં પણ ખોટું;
સંતતિહીન કુટુંબ કુસંપનું, છાતિતણું દુઃખ તે પણ છોટું;
ક્રોડ રિપૂતણું કોણ ગણે, કદી ચોગણું આવી ચઢી દુખ ચોટ્યું;
મેં મનમાં અનુમાન કર્યું, દુખ મિત્રવિજોગનું સર્વથી મોટું.
(દોહરો)
પૂછો ચાહિ ચકોરને, પૂછો જળચર કાય;
કાંતો પૂછો કમળને, સ્નેહિ ગયે શું થાય?
નિવાસ = તા. ૩૧મી ઓગસ્ટ અને ૧૮૬૫ પૂનામાં દેહ મૂક્યો; વિનાશ = શેરસટ્ટાથી
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
