દલપતરામ
Dalpatram
(મનહર છંદ)
કીરતિ કિન્લાક તારી સાંભરશે સદાકાળ,
વિધ વિધ વાતો તારી વિશ્વ વિષે વ્યાપશે;
કામ ક્રોધ લોભને કબજમાં કીધા હતા તેં.
કૃપાનાથ તેથી તારા કર્મબંધ કાપશે.
ઇશ્વર આરાધન, જે સ્વરગનું સાધન, તે,
અતિ કીધું છે તેથી અચળ સુખ આપશે;
આશીશ અમારી છેલી એ છે દલપત કહે,
સૃષ્ટિપતિ સદા તને સમીપમાં થાપશે.
(ઇંદ્રવિજય છંદ)
પાક રિવાજ નિવાજ પઢ્યો તુંજ, ફોગટ ફંદ કરે છે ફકીરા;
બુદ્ધિથી શુદ્ધ સ્વધર્મ ધર્યો, પરધર્મતણા ન કર્યા ચઢી ચીરા.
ધીરજનો ધરનાર ધરાતળ તુંજ, અને નર અન્ય અધીરા;
તેંજ ભલી ભણીને ભરી ટેબલ, ઓ આનરેબલ ફાર્બસ વીરા.
કૈક કલેક્ટર જજ્જ ગયા, ને નવા વળી આવી જુના વિસરાવે;
શી ગણતી રેશિડંટ તણી ગત કૈક ગવર્નર કોણ ગણાવે.
લંડનમાં નવ લાખ ભર્યા, અહિં આવિ જહાંગિરિ જોર જણાવે
દેશ હિતેચ્છુ, કહે દલપત્ત, સુબો ફરી ફાર્બસ તો નહિ આવે.
(મનહર છંદ)
મળ્યાં હશે બીજાઓને મોટાં મોટાં માનપત્ર,
ચીંથરાં થઈ જશે તે ચુંથાઈ ચુંથાઈને;
બનાવી બનાવીને બેસાર્યાં હશે બાવલાં, તે
પાવલાંની કિમતે કદી જશે વેચાઈને;
મસીદો, મીનારા, કે કરાવેલા કીરતિથંભ,
ઘણે દાડે તેતો જશે સમૂળા ઘસાઈને;
કવિતાથી ઠામ ઠામ કહે દલપતરામ,
ફારબસતણા જશ રહેશે ફેલાઈને.
સિદ્ધાચળે સિદ્ધના દેરામાં સારા શ્રાવકોનાં,
પૂતળાં છે પણ એને યાદ કોણ આણે છે;
પાટણમાં પાટણના પાટવીનું પૂતળું છે,
પાટણના પુરૂષ તે કોઈક પિછાણે છે;
મોટાં મોટાં માન મેળવીને કૈક મરી ગયા,
જુઓ આજ જગતમાં જન કોણ જાણે છે;
વિક્રમ ને ભોજના ચરિત્રનાં વિચિત્ર કાવ્ય,
વિશ્વ વિષે વ્યાપવાથી વિશ્વ સૌ વખાણે છે.
(ઇંદ્રવિજય છંદ)
પાર વિના ઉપકાર કર્યા, સરકાર તણો અધિકાર ધરીને;
વાત જુની ઠકરાત તણી, દિન રાત લખી ગુજરાત ઠરીને,
માન મળ્યું પણ માનવીનું, અપમાન કર્યું ન ગુમાન કરીને;
ઇંગ્લીશ કે રૂશઆર્બ વિષે પણ ફાર્બસ તુલ્ય થશે ન ફરીને.
જ્ઞાન નિદાની, નહીં અભિમાની, દિવાની અદાલતનો શુભદીવો
લાખ પ્રકાર કર્યા અભિલાખ, પ્રજાજન પાસ પ્રીતિરસ પીવો;
પ્યાર તથા કરતાર તણો, સંધિકાર સદા સુવિચારથી શિવ્યો;
દેહ ધરી દલપત્ત કહે, પિસતાળિશ વર્ષે પુરાં નહિ જીવ્યો.
(મનહર છંદ)
વિશેષ જો વશો હોત દેશમાં વરસ દસ,
સુધારત વધારત ગુણ ગુજરાતનો;
અંગરેજી રાજ્યમાં પ્રજાનો પૂરો પ્યાર થાત,
રૂદયમાં રહેત ન વાંધો કશી વાતનો;
સો ગણી સહસ્ર ગણી શોભા સારી પામી લેત,
શોભા પામે જેવી સારી સૂરજ પ્રભાતનો;
જગતમાં જેનો ખપ, ત્યાં અત્યંત તેનો ખપ,
તેવો આવ્યો હુકમ ત્રિલોકતણા તાતનો.
કલમ તો રાખતો, ને કલમષ કશું નહિ,
સાહેબ હતો તે નિત્ય સાહેબને ભજતો;
સરકાર સેવા સમે સરકાર સમવૃત્તિ,
ત્રીજોરી તપાસતો, ને ત્રીજો રિપુ તજતો;
બદન પેહેરતો, ને બદ નજરનો નહિ,
પાટ લુણ હક કરી પાટલુન સજતો;
કહે દલપતરામ, કિન્લાક તો કરુણાનું,
પાતર હતો, ને જોવા પાતરને ન જતો.
ટેક ધારીને વિવેક રાખતો વશેક લોક
ચારમાં, ઉચ્ચારમાં, આચારમાં, વિચારમાં;
ખચિત ન ધર્યું ચિત, અનુચિત કામના,
પ્રકારમાં, વિકારમાં, ધિક્કારમાં, નકારમાં;
માનવીને દેતો માન, ખાન પાન દાન–
મોંઘવારમાં, તેવારમાં, સુવારમાં સવારમાં
ભાખતો ભલું કિન્લાક રાખતો તપાસ, તે આ -
હારમાં, વિહારમાં, સંહારમાં પ્રહારમાં.
માત તાત તુલ્યમહા સંકટ મટાડનાર,
ભ્રાત તુલ્ય ભારે ભયભીત કાળે ભાગિયો;
શિક્ષક સમાન દાન દાયક શિખામણનું,
મહીપાળ એવોજ પ્રજાયે મળી માગિયો;
માન મળ્યું મોટું પણ, નહિ અભિમાન ઉર,
જાણે મહા જોગીરાજ જગતમાં જાગિયો;
કહે દલપતરામ કવિતાના કોડવાળો
ક્યાં ગયો કિન્લાક સુબો સાહેબ સુહાગિયો.
(ઇન્દ્રવિજ્ય છંદ)
કોઈ તનૂ તજવાથી થશે દુખિ, આશ્રિત સ્વારથસાધન આશી;
કોઈ તનૂ તજવાથી થશે, વિરહાતુર વાસ સમીપ નિવાસી;
કોઈ તનૂ તજવાથી થશે, નિજ નાતતણાં નરનારી નિરાશી;
કીરતિકોટ કિન્લાક જવા થકી આખી થઈ ગુજરાત ઉદાશી.
(મનહર છંદ)
સાંભળ્યું જે સાહેબ કિન્લાકે કર્યો સ્વર્ગવાસ;
બહુ નર નારીઓ લાગ્યાં નિસાસા નાંખવા,
મુંબઈમાં મોટા મોટા સાહેબો, ને શેઠિયાઓ,
સભા ભરી ભરી લાગ્યા દીલગીરી દાખવા;
સુરત, અમદાવાદ, ઇડર આદિક અને
ભાવનગરનો ભૂપ ભાવે લાગ્યો ભાખવા;
આમ દલપતરામ ઠામ ઠામ કહે લોક;
દામ ઉઘરાવી કરો કામ નામ રાખવા.
(સોરઠો)
આવી ગયા અનેક, ઉમદા જન ઇંગ્લાંડથી;
આ અવસરમાં એક, ફતેહ પામ્યો ફારબસ.
(મનહર છંદ–સહોક્તિ)
એક તો સાહેબ લોકતણો હિન્દુ સાથે સ્નેહ,
બીજું રૈયતને લાખો લાડ જે લડાવિયાં;
ત્રીજું દેશી રાજાઓનો માનમરતબો તથા,
ચોથું વાહવાહ રાજ્ય વેણ ઉચરાવિયાં;
પાંચમું પ્રજાને ગમતાજ કાયદા કર્યાનું,
છઠું કવિયોનાં માન ચઢતાં કરાવિયાં;
દાખે દલપતરામ સ્વર્ગમાં નિવાસી થવા,
ફારબસ સાથે વાનાં એટલાં સિધાવિયાં.
(તેના વિના કેવું લાગે છે)
આદિત્યનો અસ્ત થતાં થાય છે અંધારૂં ધબ,
ફારબસ વિના એવી દુનિયાં દેખાય છે;
બંગલા બજાર બાગ જંગલની ઝાડી જેવા,
ધીરજ ધરાય નહિ એવા ખાવા ધાય છે;
સોબતી સિધાવ્યાથી સિધાવ્યાનો સમય હવે,
સમીપમાં આવ્યો એવું શુદ્ધ સમજાય છે;
દેહ ગેહ થકી સ્નેહ છુટ્યો દલપત કહે,
આશાના અંકુર ઉર થકી દૂર થાય છે.
લંડન - મૂળમાં લંદન છે; પૂતળાં - દેરાં ચણાવનારનાં; પાટણના પાટવીનું - વનરાજ ચાવડાનું; કલમષ - પાપ; સરકાર સમવૃત્તિ - તીરગડો, કે જેની આગળ થઈને રાજાની ફોજ ગઈ પણ તેને ખબર પડી નહીં એવો તેને પોતાના કામમાં જીવ હતો; સુવારમાં સવારમાં - સારા વારમાં એટલે રવિવારમાં; સંહારમાં - ફાંસી દેવાના કામામાં ખૂબ ઝીણી નજરથી તપાસ કરતો; ગેહ - ઘર. 'બહુ નર નારીઓ લાગ્યાં નિસાસા નાંખવા' - ચોથી આવૃત્તિમાં 'બહુ નર નિસાસા લાગ્યાં નાંખવા.'
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 95)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
