મન વાળવા વિષે (ફાર્બસ વિરહ)
man vaalvaa vishe (Farbas Virah)
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(મનહર છંદ)
અરે જીવ બન્યું જગજીવને બનાવ્યું જેમ,
તેનો પરિતાપ કીધે પાપ ફળ ફળશે;
કીધાથી હમેશ ક્લેશ વેદના વિશેષ થશે,
કાંતો તારૂં કાળજું ટકાવમાંથી ટળશે;
તે માટે તું તજ શોક, ભજ તું ત્રિલોકનાથ,
ફારબસ મિત્ર ફરી મોક્ષ મધ્યે મળશે;
ગયાં એટલાં વરસ વયનાં ગુમાવાં નથી,
જો તું કાળ વેગ કાળ જલદી નિકળશે.
(દોહરા)
પ્રીત કરી સુખ પામવા, ઉપજ્યો ખેદ ખચીત;
પ્રીત ન કરશો કોઈશું, પ્રીત રીત વિપરીત.
વિનાશવાળી વસ્તુ જે, તે સાથે શો સ્નેહ,
સદા ગયા પછી સાંભરે, દિન દિન દાઝે દેહ.
(સોરઠા)
મહા રોગની રીત, પ્રીત વિષે પ્રત્યક્ષ છે;
કોઈ ન કરશો પ્રીત, પ્રીત કરે દુખ પ્રાણને.
જન સઘળા જોનાર, જે અંબે અંબે કહે;
કરે સતી પોકાર, શબ્દ કોણ તે સાંભળે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 107)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2002
