કુકડા પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)
Kukda prati ukti (Farbas Virah)
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(મનહર છંદ)
કાગળના બીડા પર કુકડાની છાપ દેખી,
દૂર હોય દોસ્ત તોય ધારતો હું ઢુંકડા;
ત્યારે મને તારા જેવા પ્યારા કે ન સારા લાગ્યા,
ચિત્રના ચકોર, મોર, સારિકા કે શુકડા;
મિત્રના લખેલા તે હું મોતી જેવા માની લેતો.
એમાં કદી કીધા હોય અક્ષર અધુકડા;
કહે દલપત, મિત્ર પત્ર વિના પાસે આવી,
કાયા ન દેખાડીશ હું કહું તને કુકડા.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 103)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
