દલપતરામ
Dalpatram
કવિતાનો કોઈ ભૂપ ભાવ પુછનાર નથી,
બીજે ધંધે ધાયા કવિ ધારી એવાં કારણો;
એવામાં કવિનો મેળો કિન્લાક સાહેબે કીધો,
સાંભળી કવિતા આપ્યાં ઇનામ સંભારણો;
દીલનો ઉદાર દીઠો, દેવાંશી દાતાર દીઠો,
દાખે દલપત દીઠો દારીદ્ર વિદારણો;
અભણ પસ્તાવા લાગ્યા, ભણેલા ફુલાવા લાગ્યા.
પુત્રોને પઢાવા લાગ્યા ભટ ભાટ ચારણો.
બાળક જુવાન વૃદ્ધ નર અને નારીઓમાં,
કવિતાનો શોખ વધ્યો આ સમે અથાક છે;
ગોરા લોકે ગુજરાતી કવિતાના ગુણ ગણ્યા,
કવિતાને જાણી જે કોવિદતાનું નાક છે;
ગામ ગામ ઠામ ઠામ કવિતા કવિતા દીસે,
વસંત વેળામાં જેવો પુષ્પ તણો પાક છે;
આ સમે થવાનું આમ કહે દલપતરામ,
કારણ કહું તો સાચું સાહેબ કિન્લાક છે.
(ઇંદ્રવિજય છંદ)
જો જરમાલનું જોખમ થાય, પમાય ઉપાય પુરો કરીને;
આબરૂમાન મહાન મળે, ધન દાન દિધે ધીરતા ધરીને;
જ્ઞાની મળે ધનદાનિ મળે, અભિમાની મળે ભભકા ભરીને;
રત્ન હરેક અનેક મળે પણ, ફાર્બસ ક્યાં મળશે ફરીને.
(દોહરો)
ગુણ ગ્રાહક ફાર્બસ ગયો, લડ્યા યુરોપ નૃપાળ;
કવિ કંપની કપાસની, કિંમત ઘટી આ કાળ.
(દુમિલા છંદ)
ગુણ ગ્રાહક વિક્રમભોજ ગયા, કવિતા તણી કિંમત જે કરતા;
પ્રથિરાજ અને ઇંદ્રજીત ગયો રખિદાસ ગયો રસનો ધરતા;
સરદાર ગયા શુભ ફાર્બસ સાહેબ, જે સઘળા ગુણ સંઘરતા;
શુભનામી જવા થકી ખામી પડી, કરવી શું નકામી કવીશ્વરતા
કવિતારસનો વકરો કરતાં, બહુ માલ પુરાત બકાત રહ્યો;
ઉપજ્યો ઉરક્ષોભ અથોભ હવે, અતિ લોભ કીધા થકી લાભ ગયો;
મન માન્યું હવે મળશે નહિ મૂલ, જસે જળ પાડે જરૂર વહ્યો.
કહિયે શું અનાહક, જે ચિતચાહક, ગ્રાહક ફાર્બસ ગૂમ થયો.
(મનહર છંદ)
શાણો સરદાર ગયો, હેતુ હિતકાર ગયો,
નોધારાં આધાર ગયો, યાર અનુભવિનો;
દયાળુ ઉદાર ગયો, ગુણી ગુણકાર ગયો,
બુદ્ધિનો બજાર ગયો, પાર નીતિ નવીનો;
સુખ સજનાર ગયો, દેવાંશી દાતાર ગયો,
સૃષ્ટિનો શૃંગાર ગયો, સાર રૂડા રવિનો;
દલ દોસ્તદાર ગયો, કાવ્યનો કોઠાર ગયો,
કિન્લાક શીકાર ગયો, કાર ગયો કવિનો.
(ઇંદ્રવિજ્ય છંદ)
તે શુણતો કવિતા મુજ તેથી, દિલે કવિતા કવતાં સુખ દેતી,
આદર અન્ય કરે ન કરે પણ, લાયક કીમત ત્યાં થકી લેતી;
મોંઘી હતી મણી માણકથી, રખડાતી થઈ રસતા તણી રેતી,
શી કવિતા દલપત્ત કહે કવું, ફાર્બસ જાણ વિનાની ફજેતી.
રે પ્રિય ફાર્બસ જો ફરીથી મળ, સારી કરી કવિતા સંભળાવું,
સ્નેહ વધારૂં શૃંગારરસે હદ, હાસ્યરસે ખુબ ખૂબ હસાવું;
વીરરસે વળી વલ્લભ વીર, શરીર વિષે અતિ શૂર ચઢાવું,
કદ્દરદાર ઉદાર વિના, દલપત્ત કહે ગુણ ક્યાં દરશાવું.
(મનહર છંદ)
સમશાની પૂરતીને સારી રીતે સમજીને,
વાહવાહ કરીને કિયો વખાણનાર છે
અને રસ અલંકાર પેખીને રૂડા પ્રકાર,
અંતરમાં ઉમળકો કોણ આણનાર છે;
ઉત્તમ અધમ કાવ્ય તત્વથી તપાસ કરી,
મોજ આપીને રમુજ કોણ માણનાર છે;
કહે દલપતરામ સાહેબ કિન્લાક વિના,
કાવ્યની કીમત હવે કોણ જાણનાર છે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 99)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
