h. h. dhruvno virah - Karun Prashasti | RekhtaGujarati

હ. હ. ધ્રુવનો વિરહ

h. h. dhruvno virah

જટિલ જટિલ
હ. હ. ધ્રુવનો વિરહ
જટિલ

મ્હારો હતો મધુર સુહૃદ એક હંસ,

એને હતો કદિ કોઈશું વૈરભાવ;

મિત્રની છવિ હજી નયને તરે છે,

સૌહાર્દ હૃદયનું હજિ ઊભરાય.

જેણે બતાવિ મધુરી લહરી રાતની

સસ્નેહ ને લહરિમાં શિખવ્યૂં ખિલંતાં,

જેણે ઉપાડિ ધરિયો રસના સરે તે,

કાલે હર્યો સુહૃદ મુજ સંગમાંથી.

એને હણ્યો હણ્યં હણાયું શરીર માત્ર

છે નામ વ્યાપ્યું, હણાયું, સહુ સ્થલોમાં:

ને મૃત્યુના શિરપેં ધરિ પાય ગાજે,

વિચાર ને હૃદયરાગ યુવાન થાતાં.

એણે શ્રી વિષ્ણુ તણું નામ હરી ધર્યું ’તું

ને પૂર્ણ ચંદ્ર ઉપજાવિ શિરે ધર્યો ’તો;

ને જ્ઞાનને નવનવીન સ્રજી સ્રજાવી

એના વતી સહુ જીવિત પોષતો એ.

એવો હણ્યો મુજ સુહૃદ મૃત્યુ પાપે,

એવો હણ્યો પરમ બાંધવ આપણો એ;

ભાગે પડ્યૂં રસિકને રડવાનું હાવાં,

વ્હેવા જતો અતુટિતા જલઘાર દ્યો સૌ.

ઊર્ધ્વગામિ દ્વિજમાં દ્વિજરાજ રૂપ,

સંમાન સર્વ વિબુધોમહિં પામનારો;

બ્રહ્માનિ શારદનિ સ્નેહપ્રસાદી ધારી

સાથમાં વિચરતો રસલોક સૌમાં.

ઔદાર્યની સરિત બ્હાળિ જહાં વહે છે,

અન્યોન્યને વળગિ મત્સ્ય જહાં જિવે છે,

વ્યાપાર જ્યાં સદયવૃત્તિતણો ચાલે,

તે દિવ્ય સ્થાન હતું વ્હાલું અતીવ એને.

સ્થાનનો અતિ પરિજય ધારિધારી

સૌ અન્યને પણ ઉપાડિ જતો ત્યહાં

હૂં યે સુભાગિ વળગી કર એહને ને

સ્થાનનૂં સુભગ દર્શન પામિયો ’તો,

કલ્લોલ ત્યાં રતિતણા વનનો સુણ્યો ’તો;

ગર્જન્ત પ્રેમ અનિલે ચડિ હૂં ઉડ્યો ’તો;

પાર્થિવ પાશથકિ મુક્ત શકે થયો ’તો;

લ્હેરમાં ઉપકૃતિ કથવી ભુલ્યો ’તો.

આજે હવે ઉર ઝભ્રાયું ઊંડા ઘાવે,

ચાલ્યો હુલાસ, ઘટ ઘેરિ રહી નિરાશા;

આર્દ્ર ઊર ધરતો ખગરાજ ખોયો,

વ્હેવા તો અતુટિતા જલધાર દ્યો સૌ.

જ્યાંથી સુભાગ્ય મળ્યું શારદ સંગતીનૂં,

તે લ્હેર શૂં ઉર થયું રમતૂં જ્યાંથી,

ત્યાંથી ઉરે રસનું અર્થપણૂં પ્રમાણ્યૂ,

પાર્થિવ અર્થ પ્રાપ્ય રહ્યો ઉરે તે.

ઔદાર્યની સરિતની થઈ જ્યાંથિ ઝાંખી,

અન્યોન્ય શૂં વળગિ મત્સ્ય જિવ્યું જાણ્યાં,

ત્યાંથી અભેદ ધરિ ઊર બન્યું પ્રપૂર્ણ,

આચાર થકિ વિશ્વ ટકંતું ભાસ્યૂં.

છે પ્રાણિમાત્ર શિર અંતિમ લેખ,

વ્હાલાં ત્યજી દઈ એકલ છે જવાનું,

દેખાય વિશ્વ મહિં આવું અનુભવેથી,

એવો અનુભવ રડેલ પૂર્વજો યે.

વ્હેવા જતો અતુટિતા જલાધાર દ્યો સૌ:

રોતાં જવૂં જ: રડતાં પ્રિય મૂકવાં જો:

મિત્ર બલિ થયો ક્રુર કાલનો છે,

એનો તથાપિ રસબોધ હતો જૂદો.

એના મતે હતું વિશ્વ તમામ કાળે

આનંદથી સભર, થકિ ઊભરાતૂં;

ને રાગ અંતર વિષે પ્રકટ્યા પછી ના

શોકોર્મિના પ્રલયને સહનાવું કો દી.

એના મતે હતું કાળસમૂં કશૂં કૈં,

આવાહિ હર્ષ પડતો ઝુકિ ધર્મમાં એ;

સંબંધ વ્યક્તિ બહુ યે સહ ધારતો ,

ખાંડો થયો હતો પણ ઊરરાગ.

મિત્રની હતિ પ્રકૃતિ એવિ ખાસ,

એનાથિ દુ:ખ નયને નિરખાતું ના જ:

દુ:ખીનું દુ:ખ હરવાનિ સ્વીકારિ દીક્ષા

યજ્ઞમાં જિવિત-આહુતિ અર્પતો ’તો.

આર્દ્રાર્દ્ર નયનમાં ઉભરાવિ ભાવ

વિસ્તારિ પાંખ નિજ આશ્રયિને ધરંતો;

દુ:ખીનું દુ:ખ સઉ તુર્ત શમંતું ક્યાંય,

-વિશ્વે વસ્યો વદન હર્ષ છવાઈ રહેતો!

રસપ્રદ તથ્યો

[સંપાદકીય નોંધ : કલાપીના લાઠી ખાતેના મેનેજર પ્રાણજીવન ભાઈના પુત્ર એટલે ‘જટિલપ્રાણ’ - જટાશંકર પ્રાણજીવન. જટિલ પોતાનું તખલ્લુસ ક્યારેક ‘રસાત્મા’ પણ વાપરતા. ૧૮૮૭-૮૮ની આસપાસ કવિ હરિ હર્ષદ ધ્રુવ અમરેલી હતા ત્યારે જટિલનો એમની જોડે પરિચય થયો હતો, જે પછી ગાઢ બન્યો હતો.]

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931