diilgiiriinii diivaalii vishe (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

દીલગીરીની દીવાળી વિષે (ફાર્બસ વિરહ)

diilgiiriinii diivaalii vishe (Farbas Virah)

દલપતરામ દલપતરામ
દીલગીરીની દીવાળી વિષે (ફાર્બસ વિરહ)
દલપતરામ

(મનહર છંદ)

દીવા દીવા નહિ, ભારે ભયતણા ભડકા છે,

રાક્ષસી આ રાત કાળા કાળ જેવી કાળી છે;

દારૂખાનું દેખી દેખી થાય છે દહન દીલ,

જાણું છું જે સગડીઓ શોકની પ્રજાળી છે;

હર્ષ થયો ભંગ રાગ રંગનો ઉમંગ ગયો,

સ્વાદહીન સુખડીઓ સેવ ને સુંવાળી છે;

દોસ્તદાર ફારબસ વિના દલપત કહે,

દીલગીરીવાળી આ દીવાળી ભૂંડી ભાળી છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002