Tame govind garib navaj re - Halarda | RekhtaGujarati

તમે ગોવિંદ ગરીબ નિવાજ રે

Tame govind garib navaj re

કૃષ્ણારામ કૃષ્ણારામ
તમે ગોવિંદ ગરીબ નિવાજ રે
કૃષ્ણારામ

તમે ગોવિંદ ગરીબ નિવાજ રે, મારી કરણી ના જોશો,

લક્ષ્મીવર રાખજે લાજ રે, મારી કરણી ના જોશો.

લક્ષ ચોરાશીના ફેરમાં રે, હું ભટક્યો વારંવાર,

અતિ ઘણી ભોગવી આપદા રે, હરજી હું પામ્યો છું હાર રે… મારી૦

દામ દારાના દોરથી કંઈ, વીંધી બંધાણા બંધ,

છબીલાજી તે છોડીએ હવે, તમ સાથે સાધવો સબંધ રે… મારી૦

સંયમની ને સ્વામીએ મુંને, કંઈ વિધ વિધ દીધા દંડ,

જે તે દિન પાછા આવશે રે, તો તો થાશે બિરુદ ખંડ રે... મારી૦

ચરણ શરણ જે આવિયા તે, ગાંજ્યા કોઈના જાય;

વેદ વદે એમ નિત્યદા રે, તે તો નિશ્ચે નિર્ભે થાય રે... મારી૦

વ્યાસ વચનથી સાંભળ્યા તમો, આદિ અનાથના નાથ,

ચરણ શરણ હું આવિયો રે, હવે હરજી હેતે ઝાલો હાથ રે... મારી૦

દોષ દહન કરો નાથજી રે, કર્મ કરે રે બક્ષીસ,

કરુણા કરી મુંને કાઢીએ રે, મોહ જાળ થકી જગદીશ રે... મારી૦

વિમળ કરો મારી વાસના રે, જેમ વિષ્ણુ વધે વિશ્વાસ,

આશ્રિતને ઉગારીએ રે, દીન માની દાસનો દાસ રે... મારી૦

અન્ય ઉપાધિ ઊઠે રખે રે, એમ સાચવજો દેઈ હામ,

એક છે આપને આશરો રે, કર જેડીને કહે ‘કૃષ્ણારામ’ રે. મારી૦

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા: ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
  • પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
  • વર્ષ : 1922