Mara ladakada kunvarji podho parane - Halarda | RekhtaGujarati

મારા લાડકડા કુંવરજી પોઢો પારણે

Mara ladakada kunvarji podho parane

દલપતરામ દલપતરામ
મારા લાડકડા કુંવરજી પોઢો પારણે
દલપતરામ

મારા લાડકડા કુંવરજી પોઢો પારણે.

તમને પરમેશ્વરની રક્ષા દહાડો રાત;

મારા આંખોના તારા છો કુંવરજી તમે;

તમો ઉ૫ર વારી નાખું મારી જાત, મારા લાડકડા...

મારા કોડીલા કુંવર કુળે દીપક છો તમે;

હું તો હોંશે હોંશે નિરખું નિર્મળ મુખ;

લાડે કોડે લઈ લડાવું મારા લાલને;

ત્યારે જાણું છું સાંપડિયાં સાતે સુખ, મારા લાડકડા...

તારૂં પારણિયું મઢાવું માણેક મોતિયે;

ઉપર મે’લું મેના પોપટ મોર ચકોર;

પારણિયાને ફરતી ઘમઘમ ઘમકે ઘૂઘરી;

હોંશે હીંચોળું લઈ રૂડી રેશમ દોર, મારા લાડકડા...

પોઢો સદ્ભાગી કુંવરજી થઈ સુખાળવા;

આવે પવનતણી સુગંધી શીતળ લ્હેર;

પારણિયું તારૂં પ્રીતે મેલું ૫રસાળમાં;

મનમાં માનું મોટી મહા પ્રભુની મ્હેર, મારા લાડકડા...

કુંવર ચાલણ ગાડી લઈને શીખશે ચાલવા;

થનગન કરતો પગલાં ભરશે રૂડીપેર;

કાલું કાલું બોલી માખણ મેવો માગશે;

ત્યારે માનીશ મુજને મળ્યો કનકનો મેર, મારા લાડકડા...

મારો મન ગમતો કુંવર કાલે મ્હોટો થશે;

ભણવા જશે નિશાળે નિશાળિયાની સાથ;

પાટી ખડિયો લેખણ લૈને લાલ સિધાવશે;

એવા દિન ક્યારે દેખાડે દીનોનાથ, મારા લાડકડા...

મારા કુંવરને કન્યા લાવીશ કોડામણી;

ઘણે હરખે હું પરણાવીશ મોટે ઘેર;

વર રાજા થૈને કુંવર ચઢશે વરઘોડલે;

પોસ ભરાવીશ હું ફળ ફુલે રૂડી પેર, મારા લાડકડા...

મારો ન્હાનકડો થાશે મોટો નાણાવટી;

વ્હાણવટાનો વળી વિધવિધ કરશે વ્યાપાર;

રાજસભામાં પણ રૂડી રીતે બિરાજશે;

શાણો શાણો કે'શે સર્વ મળી સરદાર, મારા લાડકડા...

કુંવર કરશે માતપિતાની પ્રીતે ચાકરી;

મોટાં મોટાં જગમાં મેળવશે બહુ માન;

મોટાં કામ કરી થાશે પ્રખ્યાત પરાક્રમી;

લેશે સલાહ પૂછી સાહેબ ને સુલતાન, મારા લાડકડા...

મારી હોંશ હૈયાની ૫રમેશ્વર પૂરી કરે;

મારા લાડકડા તુજ કરે પ્રભુ કલ્યાણ;

એવી આશિષ આપું અવસર અવસર ઉપરે;

પોઢો પોઢો મારા જીવના જીવન પ્રાણ, મારા લાડકડા...

અલોલોલો હાલ ખમા બાલુડા મારા બાળને

ઘુમણી ઘાલું વદન નિહાળું પૂરણ ચંદ;

મારૂં ઘર શોભે છે પુત્રતણાં પગલાં થકી;

અવલોકી અવલોકી ઉર પામું આનંદ, મારા લાડકડા...

કુંવરજી તારાં દુ:ખડાં ખારે દરિયે જજો;

સુખનો સાગર તુજને મળજો ઠામોઠામ;

બહુ જુગ જીવી માતપિતાની પ્રતિજ્ઞા પાળજો.

દિલથી આશિષ એવી દે છે દલપતરામ, મારા લાડકડા...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002