chandarDan - Halarda | RekhtaGujarati

બાને ખોળે બેની રડી

રે બૂમ આકાશે ચડી

આકાશે સૂતા શ્રી હરિ

હરિની આંખો ઝબકી પડી.

ફૂલ-સેજલડી ઝટ પરહરી

હરિએ મેલી નીંદર-પરી

સોણલાંની છાબડીઓ ભરી

નીંદર વાદળીને વા'ણે ચડી.

અધમધ દરિયે વીજળી મળી

વીજળી ખડખડ હસી પડી

નીંદરની નાવડી ઊંધી વળી.

છાબનાં સોણલાં વેરાઈ ગયાં

ને એનાં તો ચાંદરડાં થયાં.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 257)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997