Online Gujarati Dictionary, Meaning of Gujarati words

"સૌરાષ્ટ્ર" સાથે સંબંધિત પરિણામ

સૌરાષ્ટ્ર સાથે સંબંધિત પરિણામ

સૌરાષ્ટ્ર વિધાન

સૌરાષ્ટ્ર વિધાન

સૌરાષ્ટ્રની નવરચના: સને ૧૯૪૭ ના ઓગષ્ટની પંદરમી તારીખે ભારત દેશ આઝાદ બન્યો. ૧૯૪૮ ના ફેબ્રુઅરિની પંદરમી તારીખે હિંદના નાયબ વડા પ્રધાન સરદારશ્રી વલ્લભભાઈની હાજરીમાં સૌરાષ્ટ્રના એકમની સારાયે ભારતવર્ષને જાણ થઈ. ૧૯૪૮ ના માર્ચની પહેલી તારીખે સૌરાષ્ટ્રના સ્થૂળ એકમની શરૂઆત થઈ. તેની બંધારણસભાઃ સૌરાષ્ટ્રનું એકમ તો થયું પણ સૌરાષ્ટ્રની ધારાસભાનું અસ્તિત્વ ન હતું. સૌરાષ્ટ્રના એકમ પહેલા કાઠિયાવાડનાં બે ચાર દેશી રાજ્યોમાં પ્રજાસભા, પ્રજાપ્રતિનિધિસભા, ધારાસભા ઈત્યાદિ નામે કેટલીક સભાઓ હતી. પરંતુ એ કોઈ સભા જેને બંધારણીય અર્થમાં ધારાસભા કે વિધાનસભા કહેવામાં આવે તેવા પૂર્ણ અધિકાર સાથેની ન હતી, કે તેને કોઈ જવાબદાર એવું પ્રધાન મંડળ ન હતું. તેથી સૌરાષ્ટ્રના સંયુક્ત રાજય માટે બંધારણ ઘડી કાઢવાને એક બંધારણસભા એટલે વિધાનસભાની જરૂરિયાત ઊભી થઈ. એ માટે સમસ્ત સૌરાષ્ટ્રમાં ચૂંટણી થઈ અને ૪૫ સભ્યોની બનેલી બંધારણસભાની પહેલી બેઠક તારીખ ૨૪.૧.૧૯૪૯ ના રોજ રાજકોટ ખાતે મળી. જેનું ઉદ્ઘાટન પણ સરદાર વલ્લભભાઈ કર્યું. સૌરાષ્ટ્રની આ બંધારણસભાએ તેની બીજી બેઠકમાં એવો ઠરાવ કર્યો કે, સૌરાષ્ટ્ર લોકપ્રતિનિધિ સભાની આ બેઠક ઠરાવે છે કે : રાજસ્થાનોના સંઘોના નામદાર રાજપ્રમુખો તથા માનનીય વડાપ્રધાનોની પરિષદમાં રિયાસતી ખાતાએ કરેલી ભલામણ અનુસાર રાજસ્થાનોના સંઘનું બંધારણ સમગ્ર હિંદના બંધારણનું અંગભૂત બનવું જોઈએ; અને તે માટે એવું બંધારણ તૈયાર કરવાની આ બેઠક દિલ્હીની હીંદી લોકપ્રતિનિધિસભાને સત્તા આપે છે. બંધારણસભાનું ધારાસભામાં રૂપાંતર: ત્યારબાદ ૧૯૪૯ ના ઓકટોબરની ત્રીજી તારીખે મળેલ બંધારણ સભાએ હિંદની વિધાન સભાએ સૂચવેલ બંધારણને સામાન્ય રીતે માન્ય રાખી કેટલાક ફેરફાર સૂચવ્યા હતા અને છેવટે તારીખ ૧૯ જાન્યુઅરિ ૧૯૫૦ ના રોજ હિંદની બંધારણ સભાએ પસાર કરેલ બંધારણને સંપૂર્ણ બહાલી આપતો ઠરાવ પસાર કરીને પોતાનું કાર્ય સમાપ્ત કર્યું હતું અને પોતે અગાઉ વ્યક્ત કરેલ ઈચ્છા મુજબ સ્ટેટ મિનિસ્ટ્રીની સંમતિથી તારીખ ૨૦ જાન્યુઅરિ ૧૯૫૦ ના રોજ સૌરાષ્ટ્ર બંધારણસભાનું સૌરાષ્ટ્ર ધારાસભામાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. અધ્યાદેશોને અપાયેલું કાયદાનું સ્વરૂપ: આ રીતે સૌરાષ્ટ્ર ધારાસભાનો જન્મ થયો તે પહેલાં સૌરાષ્ટ્રનું રાજ્ય રાજપ્રમુખ તરફથી બહાર પાડવામાં આવતા અધ્યાદેશો (Ordinances) દ્વારા ચલાવવામાં આવતું હતું. જો કે તે કાયદાનું રાજય હતું પણ તે કાયદાઓ સૌરાષ્ટ્ર ધારાસભાએ પસાર કરેલા ન હતા. ધારાસભાને જવાબદાર પ્રધાનમંડળ: સૌરાષ્ટ્ર ધારાસભા થયા પછી તે પરિસ્થિતિ પલટાણી, સૌરાષ્ટ્રનું પ્રધાનમંડળ જે પ્રથમ રાજપ્રમુખને અને સ્ટેટ મિનિસ્ટ્રીને જવાબદાર હતુ તે પ્રધાનમંડળ ધારાસભા થયા પછી જો કે (Technically) તો તે જ રીતે ચાલુ રહ્યું છે પણ હકીકતે તે ધારાસભાને જવાબદાર હોય તે રીતે તેનું રાજતંત્ર ચાલ્યું છે. કારોબારીથી સ્વતંત્ર ધારાસભાનું વહીવટી તંત્ર: હિંદના બંધારણ પ્રમાણેની તે કામચલાઉ ધારાસભા બનતાં તેને તમામ હક્કો અને ફરજો પ્રાપ્ત થયાં. તેણે અધ્યક્ષ (Speaker) અને ઉપાધ્યક્ષ (Dy. Speaker) ચૂંટયા. તેણે બંધારણપૂર્વક કામ ચલાવવાને માટે પોતાના નિયમો પસાર કર્યા અને શૂન્યમાંથી સર્જન કરતાં કરતાં પોતાનું સ્વતંત્રસ્થાન પ્રાપ્ત કર્યું. આજે સૌરાષ્ટ્રની ધારાસભાના કર્મચારીઓ માટેના સ્વતંત્ર નિયમ છે. તે નિયમો અનુસાર કારોબારીથી સ્વતંત્ર રીતે સેક્રેટરી તથા અધ્યક્ષ તાબાના નોકરોની નિમણૂક, બરતરફી, રજા, બઢતી, વગેરે કરે છે. ધારાસભા સચિવાલય પોતાનું અંદાજપત્ર પણ સ્વતંત્ર રીતે તૈયાર કરે છે. અને સામાન્ય રીતે તે સ્વીકારમાં આવે છે. પ્રણાલિકા એવી ઊભી કરવામાં આવી છે કે, તેને લગતી બાબતોમાં અધ્યક્ષનો નિર્ણય સ્વીકારવામાં આવે છે. આ રીતે બંધારણમાં જે સ્વતંત્ર સ્થાન ધારાસભા વિભાગને આપવામાં આવ્યું છે તે સૌરાષ્ટ્રની ધારાસભાએ પોતાના ત્રણ વર્ષના ટૂંકા ઈતિહાસમાં કારોબારીના સહકારથી પ્રાપ્ત કર્યું છે. સૌરાષ્ટ્રની ધારાસભાની તે એક મહાન સિદ્ધિ છે. ધારાસભાનું કમકાજ: આ ધારાસભામાં અંદાજપત્ર રજૂ થાય છે. વળી તારાંકિત પ્રશ્નો એટલે કે, જેના મૌખિક જવાબો આપવામાં આવે અને જેના ઉપર ઉપપ્રશ્નો પૂછી શકાય છે તે અને તેવા બિનતારાંકિત પ્રશ્નો પૂછવામાં આવે છે. બિનતારાંકિત પ્રશ્નો એટલે કે, જેના લેખિત જવાબો ધારાસભાગૃહ સમક્ષ રજૂ કરવામાં આવે. આ ધારાસભાની અંદર બે પ્રકારના વિધેયક એટલે બિલ રજૂ થાય છે. એક સરકારી અને બીજાં બિનસરકારી. પસાર થયેલ વિધેયકોમાં કેટલાંક કાયદાની દૃષ્ટિએ કે ન્યાયની દૃષ્ટિએ મહત્ત્વનાં હોય, જ્યારે કેટલાંક સામાજિક, આર્થિક અને રાજકીય દૃષ્ટિએ જરૂરી હોય છે. દ્વિપત્નીપ્રતિબંધક તથા બાળલગ્ન પ્રતિબંધક વિધેયક વગેરે સામાજિક મહત્ત્વના વિધેયકો પણ હોય છે. પરંતુ આ બધાં ઉપરાંત સમગ્ર હિંદનું ધ્યાન ખેંચે તેવાં મહત્ત્વનાં વિધેયકો તો જમીન સુધારણાને લગતાં હતાં. સૌરાષ્ટ્ર ગરાસદાર પદ્ધતિ માટે એક જાણીતો પ્રદેશ બન્યો હતો. સૌરાષ્ટ્રનાં આશરે ૪૫૦૦ ગામડાંઓથી આશરે ૧૭૨૬ ગામડાંઓ ગરાસદારી પદ્ધતિ નીચે હતાં. આ બધાંનું એકીકરણ કરી સમાન મહેસૂલ પદ્ધતિ દાખલ કરવી એ એક આવશ્યક સુધારો હતો. સૌરાષ્ટ્રના રાજવીઓએ સૌરાષ્ટ્રનું એકીકરણ કરવા માટે કરેલ સત્તાત્યાગ પછી શાંતિમય રીતે સૌરાષ્ટ્રમાં જમીનદારશાહી નાબૂદ થયેલ છે. એ સૌરાષ્ટ્રના ઈતિહાસન���ં એક ઉજ્જવલ પ્રકરણ છે. વિશિષ્ટ વસ્તુ તો એ હતી કે, જમીનદારશાહી નાબૂદી અંગેનાં વિધેયકો પસાર કરતી વખતે બધા પક્ષો, હિતો અને સભ્યોની સંપૂર્ણ એકમતિથી આ વિધેયકો પસાર કરવામાં આવ્યાં હતાં. આ વિધેયકોમાં જમીન સુધારવાનું વિધેયક, બારખલી નાબૂદી નું વિધેયક અને જાગીર ઉપાર્જન વિધેયક એમ ત્રણ મુખ્ય હતાં. ધારાસભાના કાર્યની વિશિષ્ટતા: સૌરાષ્ટ્રમાં ધારાસભાની શરૂઆત હોવા છતાં પણ કેટલીક બાબતોમાં તેણે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ છે. જેમાં ખાસ કરીને અંદાજ સમિતિ ગણી શકાય. ઈંગ્લંડની પ્રસ્તુત લોકશાહીમાં પાર્લામેન્ટરી સમિતિઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. હિંદમાં પણ આવી જે સમિતિઓને કાયદેસરનું સ્થાન મળેલ છે એ સમિતિઓમાં અંદાજ સમિતિ ને જાહેર હિસાબ સમિતિ આવે છે. આ સિવાય દરેક મંત્રીને સલાહ આપવા માટે સલાહકાર સમિતિઓ તથા નાણાંકીય સમિતિ પણ દર વરસે ધારાસભાના સભ્યોમાંથી ચૂંટવામાં આવે છે. અંદાજ સમિતિએ બજેટમાં રજૂ થયેલ અંદાજો તપાસે છે અને તંત્રની કાર્યદક્ષતામાં વાંધો ન આવે એ રીતે કરકસર કરવા સરકારને ભલામણ કરે છે. અંદાજ સમિતિ કારોબારી સમિતિ ઉપર ધારાસભાના નાંણાકીય અંકુશ ઉપર કામ કરે છે અને નાણાકીય બાબતો ઉપર આડકતરી રીતે દેખરે��� પણ રાખે છે. આમ ધારાસભા માત્ર ધારાઓ ઘડતી અને સરકારી બજેટો પસાર કરતી સંસ્થા નથી પરંતુ આવી સમિતિઓ દ્વારા રાજતંત્ર ઉપર સંપૂર્ણ દેખરેખ રાખી રાજકારોબાર અને પ્રજા વચ્ચેની એક મહત્ત્વની કડી બની જાય છે. સૌરાષ્ટ્ર ધારાસભામાં દરેક મંત્રીસલાહકાર સમિતિ ઉપરાંત અંદાજ સમિતિની નિમણૂક કરવામાં આવેલ છે. આ સમિતિઓ ઉપરાંત ધારાસભામાં રજૂ થતાં કોઈ પણ વિધેયક ઉપર અરજીઓ રજૂ કરી શકાય અને તે બાબતમાં નિર્ણયો લેવાય તેને માટે એક યાચિકા સમિની પણ નિમણૂક કરવામાં આવેલી. આ સમિતિ વિધેયકો ઉપર રજૂ થતી અરજીઓ સંબંધી માહિતી મેળવી ધારાસભા સમક્ષ તેનો અહેવાલ રજૂ કરે છે. ધારાસભ્યોના અધિકારો એ અત્યંત પવિત્ર અને મહામૂલા અધિકારો છે. આ અધિકારો એ લોકશાહીના સફલ સંચાલન માટે પાયારૂપ અધિકાર ગણાય. અધિકારોના સરંક્ષણ માટે તથા તે અધિકારો નિકાલ માટે ધારાસભાના સભ્યોની બનેલી એક અધિકાર સમિતિ પણ નીમવામાં આવે છે.

સૌરાષ્ટ્ર રક્ષિત સ્મારકો

સૌરાષ્ટ્ર રક્ષિત સ્મારકો

સૌરાષ્ટ્રનાં જુદા જુદાં રાજ્યોનું એકીકરણ થયા પછી સૌરાષ્ટ્ર સરકારે રક્ષિત ઠરાવેલાં જુનાં સ્મારક. સૌરાષ્ટ્ર રાજ્યે અપનાવેલા અને તેને લાગુ કરાયેલા સને ૧૯૦૪નાં પુરાણાં સ્મારકોના સંરક્ષણધારાની કલમ ૩ ની પેટા કલમ ૧ નીચે મળેલ અધિકારો અન્વયે સરકારે નીચે જણાવેલાં સ્મારકોને રક્ષિતસ્મારકો તરીકે જાહેર કર્યા છે:- મધ્ય સૌરાષ્ટ્ર : ( ૧ ) જૂનો દરબારગઢ-ધોરાજી, ( ૨ ) લાખાફુલાણીનો પાળિયો-આટકોટ, ( ૩ ) ભાડલાની વાવ-ભાડલા, ( ૪ ) જડેશ્વર મહાદેવનો શિલાલેખ-વાંકાનેર, ( ૫ ) નોળમાતા-વાંકાનેર, ( ૬ ) કુબેરવાવ- મોરબી, ( ૭ ) ત્રાંબાના લેખોવાળા દરવાજા-મોરબી, ( ૮ ) સુપેડીનાં મંદિરો-સુપેડી, ( ૯ ) મુનિબાવાનું મંદિર-થાન, ( ૧૦ ) તરણેતર મંદિર-થાન, ( ૧૧ ) સતીનું મંદિર- જેતપુર, ( ૧૨ ) જીતુડીનું મંદિર-જીતુડી અને ( ૧૩ ) દૂધરેજનું મંદિર-દૂધરેજ. ઝાલાવાડ : ( ૧) ભીમોરાની ગુફાઓ-ચોટીલા, ( ૨ ) માધાવાવ-વઢવાણ સીટી, ( ૩ ) ગંગાવાવ-વઢવાણ સીટી, ( ૪ ) શક્તિનું મંદિર-ધ્રાંગધ્રા, ( ૫ ) ગાળાનું મંદિર-ગાળા, ( ૬ ) સ્મશાન પાસેના પાળિયા-હળવદ, ( ૭ ) સુંદરી ભવાનીનું મંદિર-હળવદ, ( ૮ ) માતરી વાવ-કંકાવટી, ( ૯ ) દરવાજાનાં ખંડેર-કંકાવટી, ( ૧૦ ) ચોમુખી વાવ-ચોબારી, ( ૧૧ ) તળાવનું મંદિર-ચોબારી, ( ૧૨ ) ધાંધલપુરની વાવ-ધાંધલપુર, ( ૧૩) પંચાયત મંદિર-પરબડી, દરવાજા-ઝીંઝુવાડા. ગોહિલવાડ ( ૧ ) ગંગાછતરી-ભાવનગર ( ૨ ) ભાવનાથ મહાદેવનું મંદિર-ભાવનગર, ( ૩) જૂનો દરબારગઢ-ભાવનગર, ( ૪ ) તળાજાની ગુફાઓ-તાળાજા, ( ૫ ) સાણાની ગુફાઓ-સાણા, ( ૬ ) ફીરંગી મંદિર-કાલસર, ( ૭ ) જૂની મસ્જિદ-દાઠા, ( ૮ ) ખોડિયાર મંદિર-ખોડિયાર, ( ૯ ) મધુમાતા મંદિર- મહુવા, ( ૧૦ ) વિષ્ણુ મંદિર-મહુવા, ( ૧૧ ) જૂનું ગોપનાથનું મંદિર-ગોપનાથ, ( ૧૨ ) વળાનું જૂનું મંદિર-વળા, ( ૧૩ ) સતસેની-સિહોર અને ( ૧૪ ) બ્રહ્મકુંડ-સિહોર. હાલાર : ( ૧) લાખોટો ટાવર-જામનગર, ( ૨ ) કોઠો-જામનગર, ( ૩ ) જામેમસ્જિદ-જામનગર, ( ૪ ) ખીજડા મંદિર-જામનગર, ( ૫ ) દ્વારકાપુરીનું મંદિર-જામનગર, ( ૬ ) નાગનાથનું મંદિર-જામનગર, ( ૭ ) બિલેશ્વર મહાદેવનું મંદિર-બિલેશ્વર, ( ૮ ) ભુવનેશ્વરની ગુફાઓ-ભુવનેશ્વર, ( ૯ ) પાછતરનું મંદિર- પાછતર. ( ૧૦ ) શીતળાનું મંદિર-કાલાવડ, ( ૧૧ ) સોનકંસારીનું મંદિર-સોનકંસારી, ( ૧૨ ) કાશી વિશ્વનાથ મહાદેવ-હરિયાણા ( ૧૩ ) ભૂચરમોરી મ��દિરઃ પાળિયા અને કબર તેમ જ રણક્ષેત્ર-ઘ્રોળ, ( ૧૪ ) જેસલપીરની દરગા-ધ્રોળ, ( ૧૫ ) સેખપટ-અલિયાબાડા, ( ૧૬ ) મીઠોઈ મંદિર-ખંભાળિયા, ( ૧૭ ) મોડપુરનો કિલ્લો મોડપુર, ( ૧૮ ) કિલ્લેશ્વરનો કિલ્લો-કિલ્લેશ્વર, ( ૧૯ ) પીઠડ માતા-પીઠડ, ( ૨૦ ) કણબીમાતા-બાલંભા, ( ૨૧ ) નવઘણ કુઈ-બાલંભા, ( ૨૨ ) જોડિયાનો કોઠો-જોડિયા, ( ૨૩ ) સોનીવાવ-હાથલા અને ( ૨૪ ) પનોતિ મંદિર-હાથલા. સોરઠ : ( ૧ ) જૈનમંદિર-ઉના ( ૨ ) ઉના તળાવ પરનો શિલાલેખ-ઉના, ( ૩) મિણાતલની મસ્જિદ-દેલવાડા-ઉના, ( ૪ ) ગુપ્તપ્રયાગના કુંડ-દેલવાડા-ઉના, ( ૫ ) જૈનમંદિરો-પાટણ, ( ૬ ) પાટણની ગુફાઓ-પાટણ, ( ૭ ) વણેશ્વર મહાદેવનું મંદિર-પાટણ, ( ૮ ) ભદ્રકાળી મંદિર (માતા)-પાટણ, ( ૯ ) ભદ્રકાળીનો શિલાલેખ-પાટણ, ( ૧૦ ) તળાવ-પાટણ, ( ૧૧ ) કામનાથ મહાદેવનું મંદિર-શિલાલેખ સાથે-માંગરોળ, ( ૧૨ ) શ્રીમતી કસ્તૂરબાનું મકાન-પોરબંદર, ( ૧૩ ) સરતાનજીનો ચોરો-પોરબંદર, ( ૧૪ ) માધુપુરનું જૂનું મંદિર-માધુપુર, ( ૧૫ ) જાંબુવંતીની ગુફાઓ-માધુપુર, ( ૧૬ ) મિયાણીનું જૂનું મંદિર-મિયાણી, ( ૧૭ ) વાવ-વીસાવદર, ( ૧૮ ) પંચાયતન મંદિર-વીસાવદર, ( ૧૯ ) પંચાયતન મંદિર-કંટેલા, (૨૦ ) કદવારનું જૂનું મંદિર-કદવાર. પ્રાચીન સ્થળો: ( ૧ ) બાબરા, ( ૨ ) જેતપુર, મધ્ય સૌરાષ્ટ્ર, ( ૩ ) શિયાળ બેટ-જાફરાબાદ, ગોહિલવાડ; ( ૪ ) આમરણ, ( ૫ ) આમરા, ( ૬ ) બેડ, ( ૭ ) વસઈ, ( ૮ ) ભારાણા, ( ૯ ) ભૂચરમોરી-ધ્રોળ, ( ૧૦ ) લાખાબાવળ, ( ૧૧ ) મોડપુર, ( ૧૨ ) મોડ, ( ૧૩ ) નરમાણા, હાલાર; ( ૧૪ ) સાહુનો ટીંબો-પાટણ, ( ૧૫ ) જીલેશ્વર-તાલાળા, ( ૧૬ ) ભીમદેવળ, ( ૧૭ ) નદીનો કાંઠો-જૂનાગઢ, ( ૧૮ ) જૂની બતાલી ગીર, ( ૧૯ ) બુદ્ધવિહાર-ગિરનાર અને ( ૨૦ ) લાખા મેડી- ગિરનાર, સોરઠ.