Mane Manjur Chhe, Je Apani Vachhe Ni Duri Chhe - Ghazals | RekhtaGujarati

મને મંજૂર છે, જે આપણી વચ્ચેની દૂરી છે

Mane Manjur Chhe, Je Apani Vachhe Ni Duri Chhe

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
મને મંજૂર છે, જે આપણી વચ્ચેની દૂરી છે
બરકત વીરાણી 'બેફામ'

મને મંજૂર છે, જે આપણી વચ્ચેની દૂરી છે,

હંમેશાંની જુદાઈ હોય તો બહુ જરૂરી છે.

તને જોવાને માટે જ્યારે જ્યારે આંખ ઝૂરી છે,

મેં એને માંડ તારાં સ્વપ્ન આપીને ઢબૂરી છે.

મહોબ્બતના જખમની પણ અસર કેવી મધુરી છે,

કે મેં તારી દીધેલી વેદનાને પણ વલૂરી છે.

બીજાને તારી સાથે જોઈને ઈર્ષા નથી થાતી,

મને આનંદ છે કે એણે મારી ખોટ પૂરી છે.

સારું છે કે રાખો છો તમે ચહેરા ઉપર પરદો,

ઘણાની દૃષ્ટિ મેલી છે, ઘણાની આંખ બૂરી છે.

ફરું છું હું તો દુનિયામાં સદા ગરદન ઝુકાવીને,

મને પણ ખબર ક્યાં છે કે કોની પાસ છૂરી છે.

કદાચિત મોત આવે પછી થઈ જાય પૂરી,

હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.

ઊગ્યાં છે ફૂલ બે ત્રણ આપમેળે એની તુરબત પર,

ગઝલ બેફામને-લાગે છે- જન્નતમાંય સ્ફૂરી છે.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ