jiwanabharnan tophan khali rahyo chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું

jiwanabharnan tophan khali rahyo chhun

મરીઝ મરીઝ
જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું
મરીઝ

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,

ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે.

ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,

છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો,

ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.

સુજનની કબર કે ગુનેગારની હો,

છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,

કલા મારી મોહક વિચારે વિચારે.

નથી આભને પણ કશી જાણ એની,

કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારાં બધાં સુખ અને દુઃખની વચ્ચે,

સમયના વિના કંઈ તફાવત જોયો.

બધીયે મજાઓ હતી રાતે રાતે,

ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,

તો એનું નિવારણ તમારું મિલન છે.

તમે આમ અવગણના કરતા જશો તો,

થતી રહેશે ઇચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,

હકીકતમાં કોની છે સાચી બુલંદી.

જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,

તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,

ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.

નવા છે મુસાફિર વિસામે વિસામે,

નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો બંને સ્થિતિમાં,

‘મરીઝ' એક લાચારી કાયમ રહી છે.

જનાજો જશે તો જશે કાંધે કાંધે,

જીવન પણ ગયું છે સહારે સહારે.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009