mara ujasne - Ghazals | RekhtaGujarati

મારા ઉજાસને

mara ujasne

કરસનદાસ લુહાર કરસનદાસ લુહાર
મારા ઉજાસને
કરસનદાસ લુહાર

શિક્ષા કરું શી મારા ગુનેગાર શ્વાસને?

ના પી શક્યા કોઈ ફૂલોની સુવાસને!

પગમાંથી ઉખેડ્યું તો નખમાં ઊગી ગયું!

નિર્મૂળ કરવા તોય મથું છું હું ઘાસને!

ઝાંખી પડી ગયેલ દિશાઓને ધોળવા -

વાતાવરણ લઈ ગયું મારા ઉજાસને!

નિર્વસ્ત્ર લાશ પર નર્યું ઝાકળનું આવરણ-

જોઈને ફૂટતાં રહ્યાં કાલાં, કપાસને!

ઝળહળતા કોઈ શ્વાસ બુઝાઈ ગયા છતાં -

અંધારનું ભાન થયું આસપાસને!

એના ઉપર ઊગ્યું છે ઝીણું જળનું ઝાડવું;

દાટી દીધી મેં રેતમાં જ્યાં મારી પ્યાસને!

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999