jagat jyare jyare kanaDatun rahe chhe - Ghazals | RekhtaGujarati

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે

jagat jyare jyare kanaDatun rahe chhe

વિવેક ટેલર વિવેક ટેલર
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે
વિવેક ટેલર

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,

મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની?

નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,

કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂ...ર કોઈ રહે ઠે...ઠ ભીતર,

રહી પાસે કોઈ, અછડતું રહે છે.

મન છે કે માણેકશાની ચટાઈ?

બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

વાતાનુકૂલિત મકાનોની પાછળ,

જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈતી ક્યારેક,

કબૂતર હજી પણ ફફડતું રહે છે.

સ્રોત

  • પુસ્તક : શબ્દો છે શ્વાસ મારા (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : વિવેક મનહર ટેલર
  • પ્રકાશક : સ્વયમ્ પ્રકાશન
  • વર્ષ : 2011