ubha chhe majaro - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઊભા છે મજારો

ubha chhe majaro

સાલિક પોપટિયા સાલિક પોપટિયા
ઊભા છે મજારો
સાલિક પોપટિયા

જવાનીમાં તૂટી ગયો છું અકાળે,

હું સંજોંગના કંઈ ઝીલીને પ્રહારો;

છતાં સાંત્વન મેળવી હું લઉં છું,

છે મારી સમા જગતમાં હજારો.

યુવાનીની મારી વસંતો લૂંટીને,

ગયું કોઈ પીંખી જીવન-વાટિકાઓ;

ધરા પર સુમન થઈ હું પમરી શક્યો ના,

પછી થાઉં ક્યાંથી ગગનનો સિતારો?

નથી લભ્ય થાતું મને જે જીવનમાં,

મળી જાય છે મને કલ્પનામાં;

ધરા વાસ્તવિકતાની છોડી કરું છું

કદી કલ્પનાના ગગનમાં વિહારો.

જગત તો ખરું કિંતુ વેરાનમાં પણ

અમીરી-ગરીબીના ભેદો છે બાકી;

કબર કોઈની છેક તૂટી ગઈ છે,

કોઈની કબર પર ઊભા છે મજારો.

નિરાશા હૃદયને છો ડસી રહી છે,

ભલે ચાલ પલટે અહીં ભાગ્ય કેરા;

મને એક શ્રદ્ધા છે કિન્તુ જીવનમાં:

નિશાઓની પાછળ ઊગે છે સવારો.

કે મંજિલ ઘણી દૂર છે દૂર, માનવ!

સમજે અનાદિ જીવનનાં તું ભેદો;

મરણનું કહીને વગોવે છે એને,

જે થાકીને પંથી કરે છે ઉતારો.

સુમન જેમ સૌરભ પ્રસારીને 'સાલિક'

ઘડીભર આકાશે વેરીને ઉલ્કા;

ગગનથી જે તૂટી રહ્યો છે ધરા પર,

રખે હોય મારા કિસ્મતનો તારો.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 242)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4