jindgi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પાંપણની ધાર પરથી ઉતારી છે જિંદગી,

પૂછો નહીં કે કેમ ગુજારી છે જિંદગી.

કંટકનું કાલ મુકદ્દર બની જશે,

પુષ્પોનું ભાગ્ય આજ તમારી છે જિંદગી.

ઠંડક હ્રદયમાં દૂઝતા જખ્મોને આપવા,

આકાશ પરથી ચંદ્ર નિતારી છે જિંદગી.

મગરૂર માથું નીચું નમાવીને જો જરા,

ચરણોમાં તારાં કોઈની પ્યારી છે જિંદગી.

સૌંદર્યના ફરેબ મુકદ્દર બને છે જ્યાં,

એવાય પંથ પરથી ઉગારી છે જિંદગી.

વાદળમાં વીજળીનાં વલખાં નથી, અરે,

અંગારમાં તડપતી અમારી છે જિંદગી.

સૌંદર્ય છે શરાબ, તો સાકી છે આંખડી,

યૌવન મદિરા છે ને ખુમારી છે જિંદગી.

સૌંદર્યના સિતમને કરમની કૃપા થતાં,

‘શવકીન’ વિરહમાં આજ સિતારી છે જિંદગી.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 236)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4