યાદની ચોફેર કુંડાળું કર્યું
yaadnii chopher kundaalun karyun
પરેશ દવે 'નિર્મન'
Paresh Dave 'Nirman'
પરેશ દવે 'નિર્મન'
Paresh Dave 'Nirman'
યાદની ચોફેર કુંડાળું કર્યું,
એમ પાછું મન અમે આળું કર્યું.
પગરખાં ને આ કપાસીએ મળી,
જગ ભમીને ભાગ્ય ભમરાળું કર્યું.
એકલા બેઠા અને આ પણ કર્યું,
ઘર વગરની ભીંત પર તાળું કર્યું.
રાતનું કાળું કફન ઝગમગ થયું,
આગિયાએ એવું અજવાળું કર્યું.
પીપળાએ વારતામાં આખરે,
ભીંત ફાડી એક ભગદાળું કર્યું.
તાંતણાથી પાતળી પીડા લઈ,
યાદ ગૂંથીને ગઝલ જાળું કર્યું.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
