wrikshman - Ghazals | RekhtaGujarati

વૃક્ષમાં

wrikshman

મનહર મોદી મનહર મોદી
વૃક્ષમાં
મનહર મોદી

સામે છે મકાનની બારી ખોલશો,

એનો અવાજ હોય તે ખખડે છે વૃક્ષમાં.

વરસાદ બંધ થાય છે ત્યારે બળીઝળી,

ભીંતો બહાર જાય ને પલળે છે વૃક્ષમાં.

બપ્પોર છે, નિરાંતથી ઊંઘો શહેરીઓ!

રસ્તા બધા આજ તો ઊંઘે છે વૃક્ષમાં.

જોયા કરે પહાડ કે પોતાનું શું થશે?

ઝરણાં અસંખ્ય કેમ ફૂટે છે વૃક્ષમાં?

કોટિ કિરણ હશે કે હજારો સૂરજ હશે,

એકેક કેટકેટલાં સરકે છે વૃક્ષમાં!

વાળી દઈ ઉજાસ મેં મૂકયો'તો પાંદડે,

કોણ અવાજથી બોલે છે વૃક્ષમાં?

ઊતરે છે જ્યારે સાંજ ને બેસે છે ડાળ પર,

ઊગ્યાં હો વૃક્ષ એટલાં પ્રગટે છે વૃક્ષમાં.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981