wikhwadna chhanta - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિખવાદના છાંટા

wikhwadna chhanta

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
વિખવાદના છાંટા
અમૃત ઘાયલ

પ્હોંચે છે કદી એના લગી ફરિયાદના છાંટા,

પછી જોવા મળે કયાંથી અમોને દાદના છાંટા?

અમારી આંખમાં છે આજ એની યાદના છાંટા,

વિના વરસાદ આવે છે અહીં વરસાદના છાંટા!

મને બોલાવવા હિંમત કરી'તી પાંપણો ઢાળી,

હજીયે ભીંજવે છે અવાચક સાદના છાંટા!

દિલાસાનો હતો ખપ, દિ ગયા ક્યારના વીતી,

હવે શા કામના મારે અવસર બાદના છાંટા?

કહે છે, ત્યારથી અસ્તિત્વમાં આવ્યા છે કાંટાઓ,

પરસ્પર ફૂલમાં ઊડ્યા હતા વિખવાદના છાંટા.

લાગે કેમ મીઠો કંઠ સાગરકિનારાનો?

ભળ્યા છે મહીં ઝરણાં તણા કલનાદના છાંટા.

નિહાળી જામ, ‘ઘાયલ’ રંગમાં આવી ગયા કેવા?

ઘણાં વર્ષો પછી જાણે થયા વરસાદના છાંટા!

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી ગઝલો – અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022