warta - Ghazals | RekhtaGujarati

સાંભળે એવા નગરની વારતા,

જેનું શીર્ષક: ‘હું’ વગરની વારતા.

કૂંપળોના કંઠથી સરકી જશે,

પીળચટ્ટી પાનખરની વારતા.

આખરે તે શબ્દમાં ક્હેવી પડી,

કોઈના નિઃશબ્દ ઘરની વારતા.

રાજહંસોની સફેદી પર લખીશ,

મિત્રતાના માનસરની વારતા.

સોયના છેડા ઉપરથી કયાં જશે?

લોહી-નીતરતી ટશરની વારતા.

પાત્ર, સંદર્ભો, પ્રસંગો છે છતાં,

જિંદગી: વાંચ્યા વગરની વારતા.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 199)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981