waras - Ghazals | RekhtaGujarati

વરસ–વરસ હવે વાદળ! તું ધોધમાર વરસ,

બળે છે આગ હૃદયમાં, મને તું ઠાર, વરસ!

હવે એ આવી રહ્યાં, આંખ! ઝારઝાર વરસ,

વીતી રહ્યાં છે એક રાતમાં હજાર વરસ.

નથી આ બાગ, મહારણ ન થાય હરિયાળું,

પછી એ મેઘ! વાત તારે અખ્તિયાર, વરસ!

પુરાણી યાદ છે, ઝરણું વહે છે, બેઠો છું;

વહી રહ્યું છે ગમગીનીભર્યું અસાર વરસ.

હજી ય યાદ છે, માઝા મૂકીને વરસી'તી,

ફરી ઓ કાળી ઘટા! આવ, એક વાર વરસ;

જરાક તારી ગમગીનીની આબરૂ રહી જાય;

‘જિગર’! તું બેકરાર છે તો બેશુમાર વરસ!

સ્રોત

  • પુસ્તક : માઈક્રોવેવ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : મુકુન્દ જોશી, સુલભ ધંધુકિયા, આતિશ પાલનપુરી
  • પ્રકાશક : ગઝલ સાહિત્ય વર્તુળ પ્રકાશન
  • વર્ષ : 1987