jharan awyun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝરણ આવ્યું

jharan awyun

કાબિલ ડેડાણવી કાબિલ ડેડાણવી
ઝરણ આવ્યું
કાબિલ ડેડાણવી

કલા સાથે વ્યથાનું રીતે એકીકરણ આવ્યું,

કે કસ્તૂરીને સાથે લઈ ફફડતું કો' હરણ આવ્યું.

બધાને એમ લાગ્યું પ્રેમમાં એકીકરણ આવ્યું,

ખબર કોને, મિલન રૂપે સરિતાનું મરણ આવ્યું.

મહોબતના જગતમાં ખેલદિલી હોય છે આવી,

હતો સાગર જો બેપરવા તો દોડીને ઝરણ આવ્યું.

કદી સુંદર દીસે છે તો કદી નિષ્ઠુર લાગે છે,

તમારા રૂપમાંયે કેવું વર્ગીકરણ આવ્યું?

તમારી યાદ આવી તો હું સમજ્યો કે તમે આવ્યા,

મને લાગ્યું સૂરજ આવ્યો નજરમાં જ્યાં કિરણ આવ્યું.

ખુશી તારા વિચારે થાય છે તો એમ લાગે છે,

જીવનની રાહમાં ખળખળ થતું કોઈ ઝરણ આવ્યું.

તમે લાંબે જનારી મારી દૃષ્ટિને કરી ટૂંકી,

તમે આવ્યા ને દૃષ્ટિ પર તમારું આવરણ આવ્યું.

મહોબતમાં પ્રવેશ્યા બાદ મુજને સત્ય સમજાયું,

છલોછલ ઝાંઝવાંનાં જળ ભરેલું કોઈ રણ આવ્યું.

ખુશીની વાત એથી તો નથી લખતો કવિતામાં,

કોઈ કહેશે કે 'કાબિલ'ની ગઝલમાં અવતરણ આવ્યું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4