hawa pi gayo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હવા પી ગયો

hawa pi gayo

જલન માતરી જલન માતરી
હવા પી ગયો
જલન માતરી

ઝૂંટવી એના કરથી સુરા પી ગયો,

ખૂબ પીવાની આવી મઝા પી ગયો.

ઝૂમતાં, ઝૂમતાં એણે આપી સુરા,

ઝૂમતાં, ઝૂમતાં, ઝૂમતાં પી ગયો.

એમાં તારું શું બગડી ગયું ખુદા!

મારા ખર્ચે જો થોડી સુરા પી ગયો.

એક પણ પાંદડું હાલતું યે નથી,

કોઈ લાગે છે તરસ્યો હવા પી ગયો.

કઈ રીતે જાણ્યું ભાન રહેતું નથી,

સૌથી પહેલાં સુરા શું ખુદા પી ગયો?

એટલે ઝગમગે છે જીવન ‘જલન’,

જે મળી ધોઈને હું વ્યથા પી ગયો.

સ્રોત

  • પુસ્તક : જલન (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સર્જક : જલન માતરી
  • પ્રકાશક : દુર્રેસહેવાર જ. માતરી
  • વર્ષ : 1984