Dukhno Jivanma Jyare KOi Bhar Hoy Chhe - Ghazals | RekhtaGujarati

દુઃખનો જીવનમાં જ્યારે કોઈ ભાર હોય છે

Dukhno Jivanma Jyare KOi Bhar Hoy Chhe

ઈજન ધોરાજવી ઈજન ધોરાજવી
દુઃખનો જીવનમાં જ્યારે કોઈ ભાર હોય છે
ઈજન ધોરાજવી

દુઃખનો જીવનમાં જ્યારે કોઈ ભાર હોય છે,

મારા ઉપર મને અધિકાર હોય છે.

પુષ્પોની સાથ સાથ સદા ખાર હોય છે,

કષ્ટો જીવનના રીતે શણગાર હોય છે.

ફરિયાદની જગા કોઈ મળતી નથી મને,

જેને મળું છું તારો તરફદાર હોય છે.

મુખ પર વ્યથાના ભાવ કદી પણ નહીં મળે,

ટેવાયેલું હૃદય તો મિલનસાર હોય છે.

આંસુ બિચારા કેટલી રાહત દઈ શકે!

ચારે તરફ નસીબનો અંગાર હોય છે.

તોયે હૃદયમાં બીક છે કારણ નહીં કહું...

મિત્રો હજાર-દુશ્મની બે ચાર હોય છે.

જ્યારે મળે છે તેઓ હસી દે છે આંખથી,

પણ ઘણું છે, એટલો વ્યવહાર હોય છે.

દુઃખની દશામાં એક અનુભવ થયો 'ઈજન',

જેઓ મને મળે છે, સમજદાર હોય છે.

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ