vruttghazal - Ghazals | RekhtaGujarati

વૃત્તગઝલ

vruttghazal

રમેશ પારેખ રમેશ પારેખ
વૃત્તગઝલ
રમેશ પારેખ

ધીરે ધીરે સતત સપનાં ખૂટવાની કથા છે

આંખો શું છે, બસ તરડ છે, તૂટવાની કથા છે

કોને કોની સરહદ ગ્રસી જાય છે પૂછો મા

શ્રદ્ધા આખ્ખા નગર પરથી ઊઠવાની કથા છે

ઝોબો આવે જડભરત શ્વાસને કોઈવાર

બાકી તો અઢળક પીડા ઘૂંટવાની કથા છે

આંખોને અંગત પગરખા જેવું આંસુ મળ્યું’તું

તેને કંટક-નગરમાં લૂંટવાની કથા છે

આપી જેને બચપણ અમે વેદના લીધી છે

કાળાપથ્થર સમયથી છૂટવાની કથા છે

બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ

બાજુ કૂંપળ અવનવી ફૂટવાની કથા છે.

સ્રોત

  • પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 349)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 6