vruksh pade chhe tyare - Ghazals | RekhtaGujarati

વૃક્ષ પડે છે ત્યારે

vruksh pade chhe tyare

ઉર્વીશ વસાવડા ઉર્વીશ વસાવડા
વૃક્ષ પડે છે ત્યારે
ઉર્વીશ વસાવડા

શું વીતે છે આભ, ધરા પર, વૃક્ષ પડે છે ત્યારે

વ્યાકુળ થઈ જાતું સચરાચર વૃક્ષ પડે છે ત્યારે

ટહુકાઓ પણ દિશા ભૂલી, અફળાતા ચારે બાજુ

રૂદન કરે છે પંખીના સ્વર, વૃક્ષ પડે છે ત્યારે

થોડી ઝાઝી અસર થવાની સંવેદન પર સહુના

માણસ હો કે હો પથ્થર, વૃક્ષ પડે છે ત્યારે

એમ મને લાગે કે ઓછું થયું કશું મારામાં

હું પણ તૂટું મારી અંદર, વૃક્ષ પડે છે ત્યારે

કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે

ભૂંસાતા ઈશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે

સ્રોત

  • પુસ્તક : ટહુકાનાં વન (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સર્જક : ઉર્વીશ વસાવડા
  • પ્રકાશક : મીડિયા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2006