akhri mukam - Ghazals | RekhtaGujarati

આખરી મુકામ

akhri mukam

બેફામ બેફામ
આખરી મુકામ
બેફામ

હતી જુવાનીમાં એવી કોઈ લગામ નથી,

બુઢાપો કેટલો સારો કે દોડધામ નથી.

તરસ નથી કોઈ એવી કે જે બુઝાઈ શકે,

ખાલી થાય જે એકે એવું જામ નથી.

બનાવી છે મેં દુઃખો આપનારની યાદી,

ફિકર કરો નહીં - એમાં તમારું નામ નથી.

છો રૂપવાળાં તમે, રૂપનું જતન કરજો,

કે પ્રેમ કરવો જવા દો તમારું કામ નથી.

હુકમ કરો ભલે પણ મારું માન રાખીને,

છું પ્રેમી આપનો, કંઈ આપનો ગુલામ નથી.

જરાક જોજો, કોઈ ઘાવ ના કરી બેસે,

ઊંચા થનાર બધા હાથ કંઈ સલામ નથી.

છે મારી સાદગી જે સૌનું ધ્યાન ખેંચે છે,

દબદબો નથી કોઈ, કોઈ દમામ નથી.

જરા સ્વમાન છે, એથી હું ભાવ ખાઉં છું,

નહીં તો આમ તો મારા કશા દામ નથી.

મરણની બાદ છે બાકી જીવનસફર ‘બેફામ’,

ઊઠો કબરથી કે આખરી મુકામ નથી.

સ્રોત

  • પુસ્તક : પરબ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : બરકત વિરાણી ‘બેફામ’
  • પ્રકાશક : સુમન બુક સેન્ટર
  • વર્ષ : 2005