વીતે રાત અપલક અને વાય વ્હાણું
Vite Raat Apalak Ane Vay vhanu
હેમેન શાહ
Hemen Shah
હેમેન શાહ
Hemen Shah
વીતે રાત અપલક અને વાય વ્હાણું;
ત્યજેલા પ્રણયનું મળે સાલિયાણું.
સહુ કોઈ ફિલસૂફ બને આ સ્થિતિમાં,
રૂપેરી નિશા, બાંકડો ને ચવાણું.
સદાકાળ કોને સુખી અહીં થવું છે?
ઋતુઓને હું ડાળની જેમ માણું.
કરે છે જે ચિંતા હશે એ ફિરસ્તો,
નાચે છે બાકીના ગાઈ ફટાણું.
કહેવું જગત વ્યર્થ છે એ તો જાણે,
ગલોફામાં બરફી ને મોઢું કટાણું.
સ્રોત
- પુસ્તક : કવિતા - જૂન, 1981 (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
