chot gojhari - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચોટ ગોઝારી

chot gojhari

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
ચોટ ગોઝારી
અમૃત ઘાયલ

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી.

અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કીધી!

જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,

કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી!

ઘડીઓ જુદાઈની અને તે પણ જવાનીમાં!

અમે પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,

વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે ના થયાં મારાં, ભલા સ્નેહ શું કમ છે?

ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના કસબની વાત શી કરવી!

કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,

અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’,

અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી ગઝલો – અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022