tyan tame ubhan chho eni khatri aapi hati - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ત્યાં તમે ઊભાં છો એની ખાતરી આપી હતી

tyan tame ubhan chho eni khatri aapi hati

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
ત્યાં તમે ઊભાં છો એની ખાતરી આપી હતી
ખલીલ ધનતેજવી

ત્યાં તમે ઊભાં છો એની ખાતરી આપી હતી,

તમને સ્પર્શેલી હવાએ બાતમી આપી હતી.

આટલી ખારાશ તારા પાણીમાં ક્યાંથી ભળી?

મેં તો દરિયા તને મીઠી નદી આપી હતી.

ચમક આજેય ચમકારા કરે છે આંખમાં,

સ્મિત આપ્યું’તું તમે કે વીજળી આપી હતી.

બે ગઝલપુસ્તક તને આપ્યાં હતાં તું યાદ કર,

મેં તને ‘સારાંશ’ પહેલાં ‘સાદગી’ આપી હતી.

ના, હવે અધવચ્ચેથી પાછો વળું મુમકિન નથી,

તેં આગળ આવવા પરવાનગી આપી હતી.

એક મામૂલી ઉઝરડો, સ્હેજ લોહીની ટશર,

તોય પાટો બાંધવા તેં ઓઢણી આપી હતી.

પણ ખલીલ એમાં પછી તો કેટલાં છાલાં પડ્યાં,

જે હથેળીમાં તમે મેંદી મૂકી આપી હતી.

સ્રોત

  • પુસ્તક : સોગાત (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2012