hoy chhe - Ghazals | RekhtaGujarati

વીજના ચમકાર જેવું હોય છે,

આયખું પળવાર જેવું હોય છે.

લે, કપાયા દુ:ખના દા'ડા બધા,

જો, સમયને ધાર જેવું હોય છે.

સત્યનાં શસ્ત્રો ઉગામી તો જુઓ,

જૂઠ ખાલી વાર જેવું હોય છે.

છેડવાથી શક્ય છે રણકી ઊઠે,

મન વીણાના તાર જેવું હોય છે.

ડૂબવાનું મન થશે, લાગી શરત?

આંખમાં મઝધાર જેવું હોય છે.

ના, કશું ગર્ભિત નથી સંસારમાં,

બે અને બે ચાર જેવું હોય છે.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1991