Viday... - Ghazals | RekhtaGujarati

વિદાય...

Viday...

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
વિદાય...
અમૃત ઘાયલ

ફેરવી સાચે જ મુખ લીધું અને ઊઠી ગયો,

‘જાઉં છું’ બસ એટલું કીધું અને ઊઠી ગયો.

પ્યાસ એવી દૂરની લાગી હતી કે આજ તો,

પાવળું પાણીય ના પીધું અને ઊઠી ગયો.

ચાર આંખો થઈ ન થઈ ત્યાં ફેરવી લીધી નજર,

દિલ હજી તો અબઘડી દીધું અને ઊઠી ગયો.

એ જ તો એનો હતો આનંદ, છુટ્ટા હાથથી-

ગાંઠમાં જે કૈં હતું દીધું અને ઊઠી ગયો.

જિન્દગીને એમનાથી વાંકું પ્હેલેથી હતું,

જીવ દઈ અંતે કર્યું સીધું અને ઊઠી ગયો.

દોસ્તોએ બહુ કરી રકઝક છતાં છેવટ લગી,

નામ ના તકલીફનું દીધું અને ઊઠી ગયો.

આંખ છલકાતી રહી અરમાન ટળવળતાં રહ્યાં,

વેણ ના મૂક્યું છતાં લીધું અને ઊઠી ગયો.

(ગઝલ નામ સુખ, 1984, પૃ. 129)

રસપ્રદ તથ્યો

સ્વ. મહેન્દ્ર સમીરની સ્મૃતિમાં, 11-5-1982.

સ્રોત

  • પુસ્તક : ગૂર્જર અદ્યતન કાવ્ય સંચય (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોશી, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998