Venibhai Vina - Ghazals | RekhtaGujarati

વેણીભાઈ વિના

Venibhai Vina

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
વેણીભાઈ વિના
બાલમુકુન્દ દવે

આ નગરી રહી ને મોહમયી એક તારા વિના!

એ રંગ રોશની રોનક ગઈ એક તારા વિના!

આ દરિયો એનો એ ડોલે એક તારા વિના!

પણ જીવ ચડે ના જળઝોલે એક તારા વિના!

એ નભમંડળની ઘટા ગઈ એક તારા વિના!

એ જુહૂ – ચાંદની છટા ગઈ એક તારા વિના!

એ મધરાતોની ગોઠ ગઈ એક તારા વિના!

એ અરમાનોની પોઠ ગઈ એક તારા વિના!

એ મહેફિલોની રંગત ગઈ એક તારા વિના!

આ સૂના સૂરની સંગત ગઈ એક તારા વિના!

એ પરિવારનો મોભ ગયો એક તારા વિના!

મારી કવિતાનો થોભ ગયો એક તારા વિના!

આ મન–પંખીની પાંખ ગઈ એક તારા વિના!

આ કીકી વિનાની આંખ રહી એક તારા વિના!

આ દિશા સહુ સૂનકાર બની એક તારા વિના!

તું કંઈક તો બંધુ બોલ કની હું તારા વિના!

ના દેહમાં દીપ હજીય બૂઝ્યા એક તારા વિના!

આ વ્રણ ઊંડા ક્યમ જાય રૂઝ્યા એક તારા વિના!

જો પ્રાણની ૫ણછે બાણ ધરું એક તારા વિના!

જો કાળને વીંધવા ફાળ ભરું એક તારા વિના!

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ