vatan hatu - Ghazals | RekhtaGujarati

જેને કહી રહ્યા છો ગગન એ ચમન હતું,

અમ બુલબુલોનું એ કદી પ્યારું વતન હતું.

ને તારલાઓ જેમને કહેતા રહ્યા તમે,

એકેક અમ ચમનનું ભલા એ સુમન હતું.

આદિ ને અંત એક હતાં જિંદગી મહીં,

ના કો’ ધરા હતી અને ના કો’ ગગન હતું.

ના કોઈ યુગ હતો ન વળી કો ક્ષણ હતી,

જ્યાં ખુદ સમય તણું ન કો’ આવાગમન હતું.

સાકી અમે જ, જામ અમે, મય-સદન અમે,

કૌસરની ઘૂંટથી જ ઘડ્યું તનબદન હતું.

સૈયદ ખુદ અમે જ હતા, બાગબાં અમે,

કીધું ધરા પ્રયાણ તે પહેલું પતન હતું.

જેને ધરા કહે છે તસવ્વુર ‘સમીર’ એ,

માનવ અનાદિ-કાફલાનું કૈં મનન હતું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 191)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 2002