વારતા મારી હતી પળમાં હતી
Varata Mari Hati Palma Hati
સુલતાન લોખંડવાલા
Sultan Lokhandvala

વારતા મારી હતી પળમાં હતી.
જેમ છૂપી વીજ વાદળમાં હતી.
અક્ષરો રેલાઈ ગ્યા બસ એટલે;
આંખની ભીનાશ કાગળમાં હતી.
બારણાંઓ બંધ છે, નિર્દોષ છે;
ધૃષ્ટતા ભરપૂર સાંકળમાં હતી.
આંખથી કાળાશ ટપકી બેશુમાર;
ગમગીની કેવી એ કાજળમાં હતી.
ભાલમાં રેખા હતી કે સળ હતા?
વેદના એક એક એ સળમાં હતી.



સ્રોત
- પુસ્તક : વાછટ (પૃષ્ઠ ક્રમાંક 52)
- સર્જક : સુલતાન લોખંડવાલા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1993