sambhre - Ghazals | RekhtaGujarati

આંબલીથી કૂદતા પામ્યા’તા વ્રણ સાંભરે,

લીમડાની છાંવમાં ઉગેલી સમજણ સાંભરે.

આંગળી છૂટી ગઈ'તી દિવસ પણ સાંભરે,

ત્યારથી પૂરું થયું'તું મારું બચપણ સાંભરે.

પાદરે એકાંતમાં લીધા'તા પણ સાંભરે.

ને પછી સંજોગને સોંપ્યા'તા સગપણ સાંભરે.

સાથિયા મહોરે સૂરજના તેજથી વરસાદમાં,

કોક દિ’ લીલા હતા જે સાવ, તોરણ સાંભરે.

બંધ આંખે રાતના જાગ્યા કરું પરદેશમાં,

એક કાગળમાં ઊઘડતું આંગણ સાંભરે.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008