અંધારું ઓળખું છું સિતારા ગણી ગણી
Andharu Olakhu Chhu Sitara Gani Gani

અંધારું ઓળખું છું સિતારા ગણી ગણી
Andharu Olakhu Chhu Sitara Gani Gani
ડાહ્યાભાઈ પટેલ 'માસૂમ'
Dahyabhai Patel 'Masoom'

અંધારું ઓળખું છું સિતારા ગણી ગણી,
ને ત્યાં જ યાદ આવી મને તારી ઓઢણી.
સમણું તો ક્યારનુંય ગયું આંખથી સરી
મધરાતે કોણે પ્રેમથી ચૂંટી મને ખણી?
રસ્તો ગમે તે હોય ચાલ સીધી હોય તો;
સ્મરણો જ મને લઈ જવાનાં તારા ઘર ભણી.
સંબંધ નામે સૂર્ય ક્ષિતિજમાં સરી ગયો,
મારા તમારામાં જ રહી ભટકી લાગણી.
ઊગવાના ઓરતામાં રોપાઈ ગયો હું જ,
વણસેલો છે વરસાદ થઈ મારી વાવણી.
ભીંતો વગરનું સાવ ખુલ્લું ઘર છે મારું આ;
મારા તમારા વચ્ચે મેં દીવાલ ના ચણી.



સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 177)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ