nam koinun jibhe aawi atakyun chhe to atakyun chhe to shun karwanun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નામ કોઈનું જીભે આવી અટક્યું છે તો અટક્યું છે તો શું કરવાનું

nam koinun jibhe aawi atakyun chhe to atakyun chhe to shun karwanun

મધુમતી મહેતા મધુમતી મહેતા
નામ કોઈનું જીભે આવી અટક્યું છે તો અટક્યું છે તો શું કરવાનું
મધુમતી મહેતા

નામ કોઈનું જીભે આવી અટક્યું છે તો અટક્યું છે તો શું કરવાનું?

એમ તો જીવનગાડું ગબડ્યું છે તો ગબડ્યું છે તો શું કરવાનું?

આંબાડાળે કોયલ બોલે મેના બોલે ભમરા ડોલે મનડાં મોહે,

આજે અમથું એક કબૂતર ફફડ્યું છે તો ફફડ્યું છે તો શું કરવાનું?

વાતે વાતે ગાણાં ગાયાં રમતાં ગાયાં જમતાં ગાયાં એમ ગાયાં,

ગાતા’તાં ને ટપ દઈ આંસુ ટપક્યું છે તો ટપક્યું છે તો શું કરવાનું?

ખાંખાંખોળાં ખૂબ કીધાં અહીંયાં જોયું ત્યાં પણ જોયું ક્યાંય મળ્યું ના,

સુખની પાછળ મન તો ભઈલા ભટક્યું છે તો ભટક્યું છે તો શું કરવાનું?

આખ્ખા ગામ વચાળે બેઠું પાણીમાં ને વાગ્યું નહીં ને આજે જંતર,

ખાલી ખૂણે ઠાલું ઠાલું રણક્યું છે તો રણક્યું છે તો શું કરવાનું?

જીવ અમારો સાવ સુક્કા દિવસો સાથે વરસો સાથે માંડ હળ્યો ત્યાં,

કોઈ સુંવાળી યાદી લઈને અડક્યું છે તો અડક્યું છે તો શું કરવાનું?

પાછળ વાગે ઢોલ નગારાં ને સામે મુરલીની માયા તો અવઢવમાં,

મહેતાનું મન લીંબો થઈ લટક્યું છે તો લટક્યું છે તો શું કરવાનું?

સ્રોત

  • પુસ્તક : નામ તારું રુદ્રાક્ષ પર (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : મધુમતી મહેતા
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2013