haweli pachhal namto chand - Ghazals | RekhtaGujarati

હવેલી પાછળ નમતો ચાંદ

haweli pachhal namto chand

મકરંદ દવે મકરંદ દવે
હવેલી પાછળ નમતો ચાંદ
મકરંદ દવે

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો

પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

ઝરણ પર વહેતી

રંગીન રમણા!

ખીલ્યાં પોયણાં સંગ

સોહાગ-શમણાં!

અને લોચનોની શમી આજ કેવી

મદીલી છતાં મૂક લજ્જાળુ લહેરો!

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો

પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

વિષાદી જો વાદળમાં

મુખ લપાતું,

અમારું ત્યાં કેવું

કલેજું કપાતું!

હવે તો પડ્યો રાહુથી પણ ભયાનક,

શું પૃથ્વી પરેનો પડછાયો ઘેરો?

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો

પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

હશે ઇન્દ્રપુરની

નવોઢા નારી?

હશે લાડલી

દેવ કરી દુલારી!

પિતા! પૂછતી આજ આંખો નિમાણી :

તમારાં રતન રોળવા શું ઉઝેરો?

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો

પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

અજાણ્યા ઝરૂખે

સલૂણી સુહાની

ભર્યા જોબને

ઢળી જિંદગાની :

અરે, મુક્ત આકાશી પંખીને પીંખે,

શિકારીનો પાષાણી પંજો નમેરો!

હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો

પરેશાન, ગમગીન, પીળો ચહેરો.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 167)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4