vaadlo garje uubhaa rahevun pade - Ghazals | RekhtaGujarati

વાદળો ગરજે ઊભા રહેવું પડે

vaadlo garje uubhaa rahevun pade

ભાવિન ગોપાણી ભાવિન ગોપાણી
વાદળો ગરજે ઊભા રહેવું પડે
ભાવિન ગોપાણી

વાદળો ગરજે ઊભા રહેવું પડે;

આપણી તરસે ઊભા રહેવું પડે.

એમનાં દર્શન જો કરવાં હોય તો,

એમના રસ્તે ઊભા રહેવું પડે.

હોય છો ને વાત ખોટી કે ખરી,

દોસ્તની પડખે ઊભા રહેવું પડે.

મીણબત્તી ને જીવનમાં સામ્ય શું?

જાત છો સળગે ઊભા રહેવું પડે.

કોઈને જો આપવો હો છાંયડો,

આપણે તડકે ઊભા રહેવું પડે.

પાણીમાં બેસી જવું પોસાય નહિ,

કોઈ પણ શરતે ઊભા રહેવું પડે.

દૂર એકલતાને કરવા આપણે,

આપણી ફરતે ઊભા રહેવું પડે.

સ્રોત

  • પુસ્તક : ઓરડો (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : ભાવિન ગોપાણી
  • પ્રકાશક : રેડજેટ પબ્લિકેશન
  • વર્ષ : 2016