uutaryun andhaar kerun dalkatak; lights off! - Ghazals | RekhtaGujarati

ઊતર્યું અંધાર કેરું દળકટક; લાઇટ્સ ઑફ!

uutaryun andhaar kerun dalkatak; lights off!

ભગવતીકુમાર શર્મા ભગવતીકુમાર શર્મા
ઊતર્યું અંધાર કેરું દળકટક; લાઇટ્સ ઑફ!
ભગવતીકુમાર શર્મા
ઊતર્યું અંધાર કેરું દળકટક; લાઇટ્સ ઑફ!
સૂર્ય જેવા સૂર્યને પણ આવતી કાલે ઊગી શકવા વિષે હૈયે ફડક; લાઇટ્સ ઑફ!

મીણબત્તી બ્લેકમાં વેચાય છે ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર – ચાલો , હુડૂડૂ દોડીએ;
ત્યાં પછી રહેશે નહીં એકેક સિલક; લાઇટ્સ ઑફ!

આંધળી એક ટોર્ચ લઈ ઊભો છે પોલીસ એકલો;
ને મહાત્મા ગાંધી માર્ગે એ ટ્રાફિક–સિગ્નલે બાંધે છે માળો કાગડી પણ બેધડક; લાઇટ્સ ઑફ!

લ્યો, ઇલેક્ટ્રિશ્યન ગયો છે ગણપતિના મંડપોને રોશનીથી તરબતર છલકાવવા;
ને અહીં ઉંદર કરે છે ટર્રર્ર ટક; લાઇટ્સ ઑફ!

ગર્ભમાંથી આપણે અંધારથી સંબંધ છે;
સ્ટ્રાઇક હો કૉલેજ-યુનિવર્સિટી-ઇલેક્ટ્રિસિટી કંપનીમાં; શો ફરક? લાઇટ્સ ઑફ!

લાલ લીલો જાંબલી પીળો ગુલાબી કેસરી ધોળો મજીઠી આસમાની – કંઈ નથી;
માત્ર કાળા રંગ પર છે આપણો હક્ક; લાઇટ્સ ઑફ!

આપણે પોતે જ કૂવામાં બધું ફેંકી દીધું –
કોડિયાં લાઇટર મશાલો આરતી દીવાસળી ને આપણા શ્વાસોની ચકમક; લાઇટ્સ ઑફ!

ક્યાં સુધી તું ચન્દ્રના ઝાંખા પ્રકાશે આ ગઝલ લખતો રહેશે લોહીમાં બોળી કલમ?
ભગવતી, તું પણ હવે અહીંયાં અટક; લાઇટ્સ ઑફ!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ